મહેંદીની ભાતમાં
મહેંદીની ભાતમાં


લબ્ધિ આજ દ્વિધામાં હતી. બ્યુટિપાર્લર હજુ હમણાં જ દુલ્હનની મહેંદી મૂકાવીને આવી હતી એ મહેંદીની ભાતમાં 'કેયુર' નામ હતું પણ દિલના ખૂણામાં પ્રણવ હતો.
લગ્નની બધી જ તૈયારી થઇ ગઇ ત્યાં સુધી તે તેના પપ્પાને દિલની વાત ન કહી શકી. પપ્પાનો સ્વભાવ કડક તેથી તે જરુર પૂરતી જ તેમની સાથે વાત કરતી હતી. નાનપણથી તે મમ્મી સાથે લાગણીથી જોડાયેલી હતી. હવે મમ્મી આ દુનિયામાં નહોતી. તે પપ્પાનો પૂરેપૂરો ખ્યાલ રાખતી. પપ્પા પણ તેની પરવરિશમાં કોઇ કસર ન રાખતા. મમ્મીનું મૃત્યું થયું ત્યારે પપ્પાની ઉંમર પાંત્રીસેક વરસની પણ તેમણે બીજા લગ્ન નહોતા કર્યાં. સૌ તેમને સમજાવતા પણ તેઓ કહેતા હું મારી લબ્ધિને સાવકી માના હાથમાં સોંપવા નથી માંગતો. લબ્ધિને તેમના પ્રત્યે માન હતું. પણ ક્યારેય દિલ ખોલીને તેમની સાથે વાતો નહોતી કરી. તેથી જ જ્યારે લબ્ધિ માટે કેયુરનું માંગુ આવ્યું ત્યારે તે પ્રણવના પ્રેમમાં ગળાડૂબ હતી પણ કશું ન બોલી શકી. તેનું દિલ તેને ડંખતું હતું. એ પછી કેયુરને બે ત્રણ વખત મળવાનું થયું તે કેયુરને પણ આ વાત ન કરી શકી. ઘણી ગડમથલના અંતે તેણે ભારે હૈયે પ્રણવ સાથે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું.
આ બાજુ તેના પપ્પા તેના લગ્નની તૈયારી કરતા હતા તો બીજી બાજુ લબ્ધિ અને પ્રણવ પોતાના લગ્નનું આયોજન કરતા હતાં. મેરેજ રજીસ્ટ્રેશન માટે કોર્ટમાં અરજી કરી દીધી હતી તેની તારીખ એક મહીના પછી મળી હતી.આમ તો બધુ આયોજન પૂર્વક હતું. તેના કેયુર સાથે લગ્ન થાય તે પહેલા તો બંનેના કોર્ટમેરેજ પણ થઇ જવાના હતાં પણ કેયુરના દાદીમાની તબિયત હમણાં બરાબર રહેતી નહોતી. તેમની ઇચ્છા લગ્ન જોઇને જવાની હતી કેયુર સાથે વહેલા લગ્ન નક્કી થયા.
લબ્ધિ મહેંદી મૂકાવીને ઘેર આવી. હજુ મહેમાન આવે તે પહેલા, આજ રાતે જ અહીંથી નીકળી જવાનું નક્કી કર્યું. તે પપ્પાની રુમમાં છેલ્લી વખત તેમને મળવા ગઇ. હવે પછી કદાચ મળાય ન મળાય. પપ્પા સૂતા હતા તે પાછી ફરવા જ જતી હતી. ત્યાં પપ્પાની આંખ ખૂલી ગઇ. તેણે કહ્યું,
"પપ્પા, હજુ સૂતા નથી ?"
"ના બેટા, ઉંઘ નહોતી આવતી સારું થયું તું આવી."
"પપ્પા તમારે માટે દૂધ લઇ આવું ?"
"ના ના બસ એક ગ્લાસ પાણી આપી દે"
પાણી આપીને તે ત્યાં જ ઊભી રહી પપ્પાએ કહ્યું, "લબ્ધિ બેટા તારા મમ્મીના ગયા પછી એકલે હાથે તારો ઉછેર થયો છે તને મમ્મી જેટલો તારો ખાલ નથી રાખી શક્યો. મારી કંઇ ભૂલચૂક થઇ હોય તો માફ કરજે." લબ્ધિ કશું બોલી ન શકી. તેણે પપ્પાના બન્ને હાથ પકડી લીધા તેન લાગ્યું કે તે હમણાં રડી પડાશે તે ઝડપભેર રુમની બહાર નીકળી ગઇ.
દિલ પર પથ્થર રાખી તેણે નિર્ણય કર્યો કે તે પપ્પાનું દિલ નહીં દુભાવે. પપ્પાએ તેની માટે કેટલો ભોગ આપ્યો છે અને આજે તે સ્વાર્થી બની ગઇ ! તે કેયુર સાથે જ લગ્ન કરશે અને પોતાના રુમમાં આવી તેણે પપ્પાને ઘર છોડતી વખતે મૂકીને જવાની ચિઠ્ઠી ફાડી નાખી. પ્રણવને ફોન કર્યો.
પ્રણવે ઘણું સમજાવી પણ તે ન માની. અંતે તેણે એટલું જ કહ્યું, "પ્રણવ મને ભૂલી જજે."
મોબાઇલ બાજુ પર મૂકી તકિયામાં મોં છૂપાવી તે રડી પડી. અચાનક તેના માથા પર એક વહાલ ભર્યો હાથ ફર્યો. તેણે ચમકીને જોયું તો પપ્પા તેની બાજુમાં ઊભા હતાં.
પપ્પા બોલ્યાં "બેટા, તે મને તારા દિલની વાત ન કરી ? કંઇ નહીં હજુય મોડું નથી થયું. જ્યાં તું ઇચ્છે છે ત્યાં જ તારા લગ્ન થશે."
"પણ આ બધી તૈયારી થઇ ગઇ છે..."
"એ ફરી થઇ જશે. પ્રતિષ્ઠાના જૂના અંચળામાં હું તારા પ્રેમને રુંધાવા નહીં દઉં."
એક મહીના પછી ફરી લબ્ધિના હાથે મહેંદી મૂકાઇ ને તેની ભાતમાં પ્રણવ નામ છૂપાયું હતું !