કાવ્યા
કાવ્યા
અચાનક રાતે બાર વાગે અક્ષતની આંખ ઊઘડી.ગળામાં સોસ પડતો હતો. તે પાણી પીવા ઊઠ્યો. તેની નજર સામેના ઘરની બારીમાં પડી. નજર ત્યાં જ થંભી ગઇ. આવું સૌંદર્ય તેણે પહેલા ક્યારેય જોયું નહોતું. એક ગજબનું આકર્ષણ હતું તેના ચહેરામાં, પૂનમની પૂર્ણ ચાંદની એક અલગ જ આભા આપતી હતી તેના વ્યક્તિત્વને.. દૂર દૂર જોઇ રહેલી આંખોનું ઊંડાણ...કોઇનું સામર્થ્ય નથી જો એકવાર તેમાં ખોવાય તો બહાર નીકળી શકે.
ઉંમર માંડ વીસેક વરસની હશે..અક્ષત પાણી પીવાનું ભૂલીને તેના સૌંદર્યને પીતો રહ્યો. પણ એ પ્યાસ ક્યાં બુઝાય તેમ હતી. કોઇ અલૌકિક વિશ્વમાં પહોંચી ગયો હતો અક્ષત. તેના હોઠ પર એક નામ સ્ફૂર્યું કાવ્યા ...કવિ હતો ને.. ને તેની કલ્પના કરતાય સુંદર કાવ્યાએ તેના દિલ દિમાગનો કબજો લઇ લીધો હતો આજ સુધી ક્યારેય આવું નહોતું થયું. ઘણી સુંદર છોકરીઓ કોલેજમાં હતી. તેની કવિતાની દિવાની પણ હતી. પણ દિલના એક ચોક્કસ ખૂણામાં આજ સુધી કોઇ નહોતું પહોંચી શક્યું.
એ આખી રાત તેણે અડધા ઉંઘતા ને અડધા જાગતા કાઢી. સહેજ આંખ મીંચાય કે સપનામાં કાવ્યા આવી જતી. બીજા દિવસે કાવ્યાને મળવાનું ખૂબ મન થયું પણ જવું કઇ રીતે ? સીધુ જઇ
ને એમ તો કહેવાય નહીં કે મારે તમારી દિકરીને મળવું છે ને ચા પીતાપીતા તેના મગજમાં આઇડિયા આવ્યો. દૂધ માંગવાના બહાને તેણે સામેના ઘરની ડોરબેલ વગાડી. એક પચાસેક વરસના બહેને દરવાજો ખોલ્યો. અક્ષતે કહ્યું "આન્ટી, હું તમારી સામેના ઘરમાં રહું છુ. મારે દૂધ જોઇતું હતું એક કપ મળશે?" "અરે બેટા, ચા માટે જોઇએ છે ? લાવ હું જ ચા બનાવી આપુ છું."
આન્ટીએ ચા બનાવીને અક્ષત સામે ધરી પણ અક્ષતની નજર બારી સામે હતી. આન્ટીની ચકોર નજરે તે પકડી પાડ્યું. તેમણે કહ્યું "તો તે પણ અમુને જોઇ એમને?" તે આશ્ચર્યથી જોઇ રહ્યો. તેણે ચોરી પકડાતા કહ્યું, "કોણ અમુ?"
"અમારી દિકરી... તેે એક ક્રિશ્ચિયન છોકરાને ચાહતી હતી. અમુએ અમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઇ પણ સંજોગોમાં તેના પપ્પા માને તેમ નહોતા. તેમણે અમુની સગાઇ અમારી જ્ઞાતિના છોકરા સાથે કરી દીધી. લગ્નની આગલી રાતે અમુએ આ બારીમાંથી પડતું મૂક્યું. એ પછી તો એના પપ્પાને પણ ખૂબ પસ્તાવો થયો ....તે પછી ઘણા લોકોએ તેને આ બારીએ ઉભેલી જોઇ છે. જો કે અમે તેને ક્યારેય નથી જોઇ." અક્ષત અવાચક થઇ ગયો. દિલનો એક ખૂણો અમુએ ભરી દીધો હતો હવે તેમાં તે બીજા કોઇને સ્થાન નહીં આપી શકે !