આનંદવન
આનંદવન


પુત્રવધુ અપેક્ષાના મોઢે 'આનંદવન' શબ્દ સાંભળી જાનકીબેનના કાન વધુ સરવા થયા હતા. પુત્ર અખિલ અને પુત્રવધુ અપેક્ષા હમણાં હમણાં ઘૂસપુસ કરતા હતા. અખિલ અપેક્ષાને કહેતો હતો "બાને હમણાં વાત નથી કરવી ટાઇમે જ કહીશું તું બધી તૈયારી કરી રાખજે. બાને ત્યાં કોઇ પણ જાતની તકલીફ ન પડવી જોઇએ"
"તમે બધું મારી પર છોડી દ્યો, એક એક વસ્તું યાદ કરીને લઇ લઇશ"
"કેવો લાગ્યો મારો આઇડિયા"
"તારો આઇડિયા એટલે બાકી કહેવું પડે."
'આનંદવન' ભલેને ગમે તેટલું સુંદર હોય પણ અંતે તો તે ઘરડાઘર જ હતું. ઘરના બળ્યાઝળ્યા અને કુટુંબથી તરછોડેલા વૃદ્ધજનોનો સહારો હતો, જોતા વેંત જ ગમી જાય ને ત્યાં રહેનાર વૃધ્ધોને સહેજ પણ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખીને તેનું નિર્માણ થયું હતું. તેની સ્થાપના દિનેશભાઇએ કરી હતી. જાનકીબેનના પતિ બ્રીજેશભાઇ આર્કિટેકટ હતા. પાયાના ચણતરથી આશ્રમનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી બ્રીજેશભાઇ સતત સાથે રહ્યા હતા. તેઓ દિનેશભાઇના મિત્ર હતા. આનંદવનની આસપાસની આંખને ઠંડક આપે તેવી લીલોતરી જાનકીબેનને આભારી હતી. નાનપણથી જ જાનકીબેનને બાગાયનનો શોખ. અને સૂઝ પણ સારી. તેમના હાથ નીચે જ માળીએ એ આશ્રયને સુંદર ઓપ આપ્યો હતો.
બે'ક્ વરસ પહેલા બ્રીજેશભાઇને હાર્ટએટેક આવેલ અને જીવલેણ નીવડ્યો. જાનકીબેન ત્યારથી સંસારથી અલિપ્ત થઇ ગયેલા. ઘરની કોઇ વાતમાં તે માથુ મારતા નહીં. તેમને વાંચવાનો શોખ તેથી આખો દિવસ પુસ્તકો વાંચતા. અને પૌત્ર અંશને વાર્તા કહેતા. આમ અલિપ્ત રહેવા છતાં પુત્ર અને પુત્રવધુને કઇ રીતે નડતા હતા તે જ તેમને ન સમજાયું. આજ સુધી તો અપેક્ષા પણ તેમનું માન રાખતી. તો શું એ બધો દંભ જ હતો તેમનું મન ભારે થઇ ગયુ. પોતની ક્યાં ચૂક થઈ તે જ તેમને ન સમજાયું. જાનકીબેન પહેલા પોળમાં રહેતા હતા પણ પછી અખિલને સારી નોકરી મળતા તે વેચીને ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું. ટેર્નામેન્ટ અખિલના નામે લીધું કારણ કે તેને બેંકમાંથી લોન લેવાની હતી. ઘણાંએ તે સમયે સલાહ આપી હતી કે મકાનમાં તમારું નામ પણ રાખો પણ તે વખતે તેમને અખિલ અને અપેક્ષા પર પૂરો ભરોસો હતો.
જાનકીબેન ધારે તો ઘણું કહી શકે તેમ હતા પણ તેઓ ચૂપ રહ્યાં. પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કર્યો. પરાણે સાથે રહેવામાંય મજા નહીં. આ ઘર હવે છોડવું જ રહ્યું. તેમણે પોતાનું પેકીંગ ચાલું કરી દીધું. આમ તો અપેક્ષાએ થોડું પેકિંગ તો તેમની ગેરહાજરીમાં કરી જ આપ્યું હતું. ગણી ગણીને એકેક વસ્તુ લેવાઇ ગઇ હતી. સ્વેટર શાલ ટુવાલ નેપકીન ચશ્મા રુમાલ બ્રીજેશભાઇનો ફોટો અને કપડાં. જાનકીબેન કપડાં તો પહેલેથી જ જરુર પૂરતા જ રાખતા, બાકીના વૃધ્ધાશ્રમમાં આપી દેતા, માંડ એક સુટ્કેશ માંડ ભરાણી. હવે બસ પુસ્તક પેક કરવાના બાકી હતા. આમ તો ત્રણ કબાટ ભરીને પુસ્તકો હતા. પણ તેમાંથી તેમને ગમે તેવા પુસ્તકો એક ખોખામાં અલગ પેક કર્યાં.
અંતે એ દિવસ આવી ગયો. અપેક્ષાએ કહ્યું,આપણે આનંદવન જવાનું છે. નાનકડા અંશેય સાથે આવવા જીદ પકડી પણ અખિલ અને અપેક્ષાએ સાથે લઇ જવાની ના પાડી. તેને સ્કૂલમાં રજા પડે તેથી બાજુની સોસાયટીમાં રહેતા તેના માસીને ત્યાં મૂકતા જવાનું નક્કી થયું. બીજો કોઇ સમય હોત તો જાનકીબેન તરત કહેત ભલેને આવતો. પણ હવે જ્યારે મોહ માયા છોડવાના જ છે તો અંશનો મોહ શા માટે રાખવો. તેથી તેઓ ચૂપ રહ્યાં. અંશે રિસાઇ ગયો તેથી આવજો પણ ન કહ્યું એને શું ખબર કે હવે દાદીમા હંમેશ માટે આ ઘર છોડી રહ્યાં છે.
જાનકીબેને ધીમેથી અંશને કહ્યું, "આવજે બેટા..." આવજે કહેતા ધસી આવતા આંસુને તેમણે માંડ માંડ રોક્યા. છેલ્લી વાર ઘરને મન ભરી ને જોઇ લીધું. ત્યાં તેમને પોતે પેક કરેલા પુસ્તકો યાદ અવ્યા.અખિલને કહ્યું, "અરે મારા પુસ્તકો તો રહી ગયા" અખિલે કહ્યું, "ત્યાં આખી લાયબ્રેરી છે. જીંદગી આખી વાંચો તો ય ખૂટે એમ નથી. પુસ્તકો અહીંથી લઇ જવાની શી જરુર છે ?" જાનકીબેન કશું ન બોલ્યા ભારે હૈયે કારમાં બેઠા અખિલ ઘરમાંથી એક મોટી સૂટકેશ લઇ આવ્યો. મનમાં વિચારી રહ્યાં એક એક વસ્તુ યાદ કરી કરીને લીધી છે તેથી શરીરને તો કદાચ કોઇ તકલીફ નહીં પડે પણ મનને... આંસું છૂપાવવા જાનકીબેન બારી બહાર જોવા લાગ્યા.અપેક્ષા ખુશ હતી. તે અવનવી વાતો કરતી હતી.
અડધા કલાક પછી આનંદવન આવ્યું. આનંદવનનો સેવક ધરમ સામો આવ્યો. જાનકીબેનને અંદર લઇ ગયો. જુઓ બા આ તમારો રુમ. અખિલભાઇનો ફોન આવ્યો એટલે તમારા માટે સારામાં સારો રુમ રાખી દીધો છે. જાનકીબેન અંદર ગયા પોતાનો સામાન ક્યાં ગોઠવવો કેમ ગોઠવવો એ વિચાર કરવા લાગ્યા એ બહાને પોતાને ત્યાં ગોઠવાવવાનું છે તે ભૂલવા માંગતા હતા. પોતાનું મન આમ બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરતા હતા એટલામાં અપેક્ષા આવી. "ચાલો બા, તમને અખિલ બોલાવે છે." અખિલ મેનેજર સાથે વાત કરતો હતો. જાનકીબેન આવ્યા. આજ જાનકીબેને મેનેજર સાથે કોઇ વાત ન કરી નહીંતર નાનામાં નાની વિગત પણ તેઓ પૂછતા. અખિલે કહ્યું, "ચાલો બા, તમારા હાથે જ આપણે આશ્રમના ભાઇઓ બહેનોને શાલ સ્વેટર અને કપડાં આપી દઇએ. બાપુજીનો જન્મદિવસ છે ને એટલે વિચાર્યું કે આપણે બે દિવસ અહીં રોકાઇએ. રાતે ભજન રાખ્યા છે. આપણે પરમ દિવસે સવારે અહીંથી નીકળી જશું."
શું બોલવું તે જાનકીબેનને સમજાયું નહીં. પોતે શું વિચારતા હતા. આકાશ અને અપેક્ષા સામે નજર ન માંડી શક્યાં. ડૂમો ભરાઇ ગયો. રડવા મંડ્યા પણ સૌને એવું લાગ્યું કે બ્રિજેશભાઇની યાદ આવી હશે એટલે રડતા હશે. તેઓ અપેક્ષા સામે જોઇ મનોમન બોલ્યા."તારો આઇડિયા એટલે બાકી કહેવું પડે."