મારી લાગણી દુભાઇ છે
મારી લાગણી દુભાઇ છે


"મારી લાગણી દુભાઇ છે" અફસોસ મને એ વાતનો છે કે આવું નિવેદન મેં ક્યારેય નથી કર્યું. અહીં છાશવારે કોઇની ને કોઇની લાગણી દુભાયાના સમાચાર અખબારમાં પ્રકાશિત થાય છે. અરે કેટલાક તો બીજાની લાગણી દુભાવવામાં અને પોતાની લાગણી દુભાવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગતા હોય એવું લાગે છે. એક મારી જ લાગણી કેમ ક્યારેય દુભાતી નથી.
મને મારા ચેતાતંત્ર પર શંકા ગઇ. મેં જનરલ સર્જન પાસે મારા સંપૂર્ણ શરીરનું ચેક અપ કરાવવાનું નક્કી કર્યું .જનરલ સર્જન ડૉ. માંકડ (મારા સદભાગ્યે અને તેમના દુર્ભાગ્યે) મારા મિત્ર છે. તેથી ફી આપવાનો તો સવાલ જ ઊભો થતો નથી. હું ડોક્ટર માંકડ પાસે ગયો. મારી વાત તેણે ધ્યાનથી સાંભળી તેને પોતાની જાત માટે ચિંતા થઇ મને કહે વિનિયા, યાર લાગણી તો મારી ય ક્યારેય દુભાતી નથી.
તેને ચિંતાગ્રસ્ત સ્થિતિમાં મૂકીને હું ઘેર પરત આવતો હતો ત્યાં મને મારો જૂનો મિત્ર જગન્નાથ મળી ગયો. જગલો ખાસ્સો જાડૉ થઇ ગયો હતો. તેના ભૌમિતિક આકાર બદલાઇ ગયો હતો. પહેલા સીધી રેખા જેવો હતો હવે લંબગોળ થઇ ગયો હતો. (અહી 'જગલો' શબ્દ મારા મિત્ર જગન્નાથ માટે વાપરેલ છે. ભગવાન જગન્નાથ માટે નહીં હિંદુઓ ખાસ તેની નોંધ લે.) જગલાને મેં માંડીને બધી વાત કરી. મને કહે, "ચાલ આપણે નિરાંતે બેસીને વાત કરીએ. મારુ ઘર નજીક જ છે. અમે તેને ઘેર ગયા. તેણે પોતાના પાંચ વરસના દિકરા પાસે છેલ્લ્લા આઠદસ દિવસના અલગ અલગ પેપર મંગાવ્યા તે દરમિયાન તેણે મને લાગણી દુભાયાનો વિગતવાર અર્થ સમજાવ્યો. મને કહે "જો તું તારા ઘરમાં બ્લ્યૂ ફિલ્મ જુએ તો તારી લાગણી ન દુભાય પણ મલ્લિકા શેરાવત કે રાખી સાવંત ફલાણા શહેરની ફલાણી ક્લબમાં અર્ધનગ્ન અવસ્થામાં ડાંસ કરે તો તારી લાગણી દુભાઇ શકે. તું આસ્તિક હોય કે નાસ્તિક હોય પણ હિંદુ હોય તો તું તારા ભગવાનને ફાવે તેમ કહી શકે કાળિયો, લૂંટારો. માખણચોર, કપટી... પણ બિનહિંદુથી જાહેરમાં આવું વિધાન થાય તો તારી લાગણી દુભાઇ શકે.
એટલામાં બબલૂ અખબારનો ઢગલો લઇને આવ્યો. જગલાએ તે વિગતવાર વાંચ્યા અને કેટલીક અન્ડરલાઇન કરી પછી એ અખબારના ક્યાં વિધાનથી મારી ક્યાં પ્રકારની લાગણી દુભાઇ શકે તે મને વિગતવાર સમજાવ્યુ અને તેની વ્યવસ્થિત નોંધ કરી મને આપી.
મારા મિત્રને મારી લાગણી દુભાવવામાં ઊંડો રસ લેતો જોઇ હું ગદગદિત થઇ ગયો અને આભાર માનવા માટે શબ્દો શોધતો હતો. ત્યાં જગલો કહે, "પાંચસો રુપિયા" મેં કહ્યું, "હું કંઇ સમજ્યો નહીં" જગલો કહે, "જો આ સામે ટીગાય છે ને એ કાળો કોટ મેં લગ્નમાં પહેરવા નથી સીવડાવ્યો. વકીલ છુ, ફી તો લઇશ જ." પણ મેં કહ્યું, "મેં તો તને મિત્ર હોવાને નાતે કહ્યું.
મને કહે "આપણી મિત્રતા છે એટલે તને પાંચસોમાં જ પત્યું નહીંતર બે હજારથી ઓછી ફી તો હું ક્યારેય લેતો જ નથી"
શાળામાં કાયમ છેલ્લી પાટલીએ બેસતો જગલો છેલ્લી પાટલીએ બેસી ગયો. મને કહે "ઘોડો ઘાસ સાથે મિત્રતા રાખે તો ખાય શું ? " મેં એ ઘોડાને ઘાસ પાંચસો રુપિયા આપી ત્યાંથી ચાલતી પકડી.મને યાદ આવ્યું, આ એ જ જગલો હતો જેણે પોતાના સગા મામાના દિકરાના સામાન્ય ગૃહકંકાશના ઝગડાને છૂટાછેડામાં પરાવર્તિત કરી દીધો હતો અને અંતે સમાધાન પણ કરાવી આપ્યું હતું અલબત્ત પોતાની ફી લઇને જ.
આજ પછી નક્કી કર્યું, હવે કોઇ વકીલ સાથે કામ વગરની કોઇ વાત કરવી નહીં અને બને તો વકીલને સામે આવતા જોઇને પોતાનોરસ્તો બદલી લેવો. કઇ નહીં મારી આર્થિક તો આર્થિક મારી લાગણી તો દુભાઇ.