Lata Bhatt

Comedy Others

4.6  

Lata Bhatt

Comedy Others

ફેસબુકીયા ફ્રેન્ડો

ફેસબુકીયા ફ્રેન્ડો

4 mins
933


આપણને ગુજરાતીઓને દરેક શબ્દને મારી મચકોડીને બોલવાની ટેવ. પછી ભલેને એ અંગ્રેજી શબ્દ હોય. મેં ય ગુજરાતી હોવાના નાતે ફેસબુકનું ફેસબુકીયા કરી નાખ્યું અને ફ્રેન્ડનું બહુવચન કરી દીધું કાનો માત્ર લગાવીને ફ્રેન્ડો. એક દિવસ સવાર સવારમાં વિચાર આવ્યો. વિચારો હંમેશા મને સવારે જ આવે છે હવે પૂછતા નહિ કે ક્યાં ! કેટલીક બાબતો સમજી જવાની હોય છે. પ્રેરાણાદાયક સ્થળ છે ઘણી ઘણી શોધનું જન્મસ્થળ કદાચ એ જ હશે.

હા તો હું શું કહેતો હતો હા યાદ આવ્યું બધા એ બધા ફેસબુકના ફ્રેન્ડોને મળવાનો વિચાર આવ્યો. એમાં જેને મળી ચૂક્યો છું એવા દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, મામા મામી, કાકા, કાકી, ફોઇ, ફૂવા, સાસુ સસરા સાળા સાળી ...ટૂંકમાં કહું તો ..(આપણા ગુજરાતીઓની આ પાછી બીજી ટેવ. પહેલાં લંબાણથી વાત કરેને પછી પાછી એ જ વાતને ટૂંકાણથી કહે એય લંબાવીનેને પછી પૂછે સમજાઇ ગયુંને અને તમે જો પ્રતિભાવ આપવામાં સહેજ મોડા પડો તો એ જ વાત ફરી. લ્યો હું યે જ કરવા બેઠો'તો ને. તો હા એ ફેસબુકોયા ફ્રેન્ડોને મેં રુબરું મળવાનું, સાક્ષાત્કાર કરવાનું નક્કી કર્યું. હવે પાછા કહેતા નહીં કે રુબરું મળવું અને સાક્ષાત્કાર કરવો એક જ કહેવાય. તમે ય એવું જ કરો છો ને કોઇ તમને રસ્તો પૂછે તો તમે કહો છો ડાબી બાજુ વળીને ટર્ન લઇને સહેજ આગળ જશો તો એક ગોળ સર્કલ આવશે વગેરે વગેરે.

સૌથી પહેલા તો એ બધા નજીકના સગા વહાલાના નામ દૂર કર્યાં. તોય બાકી બચ્યા ત્રણસો. આ ત્રણસો નમુનાઓને મારે મળવાનું છે, સૌથી પહેલા ઓલી ચિબાવલીને જ મળવાનું નક્કી કર્યું. જે મને ટાઇમે ટાઇમે ગુડમોર્નીંગ, ગુડ આફ્ટરનૂન ગુડનાઇટ કરતી રે' છે. ખબર નથી એના પતિને કે ભાઇઓને એ ટાઇમે ટાઇમે વીશ કરતી હશે કે નહીં. મેસેજ બોક્સ ખોલું એટલે એનું ગુડનાઇટ કે ગુડમોર્નીંગ હાજર જ હોય, ને પાછું ઓલું સ્માઇલી ય ચિપકાવ્યું હોય. વારે તહેવારે હેપી દિપાવલી, હેપી હોલી. તારીખીયું લઇને જ બેસતી હશે ને નાનો મોટો કોઇ તહેવાર આવે એટલે એની આગળ હેપી લગાડી દે. હેપી અંગારકી અગિયારસ એક વાર તો હેપી વિંછૂડો ય લખી દીધું'તુ મારે એને કહેવું પડ્યું સોરી મેસેજ કરવો પડ્યો'તો કે વીંછૂડો એ કોઇ તહેવાર નથી.

ઘરમાં એ બધા તહેવાર ઉજવતી હશે કે નહીં ભગવાન જાણે. પણ મને શુભેચ્છા મળી જાય છે ને ક્યારેક મારા ઘરમાં હોળી ય પ્રગટી જાય છે મારી પત્ની પૂંછે છે, "આ તમને નિયમિત મેસેજ કરે છે ઇ છે કોણ ? તમારી કોલેજમાં સાથે ભણતીતી ?" ને પછી હેપી અગિયારસ ય થઇ જાય છે. મારી પત્ની ખાવાનું નથી બનાવતી. મારી પત્ની મને ઘણી વાર છે કે તમે એને બ્લોક કેમ નથી કરી દેતા ? હવે એને કોણ સમજાવે કે આ બધાની મને અદત પડી ગઇ છે.

મેં એને મેસેજ કર્યો કે મારે તમને મળવું છે ને એ કાંઇ ઉંધો અર્થનો કાઢે એટલે લખ્યું કે હું મારા બધા ફેસબુકિયા ફ્રેન્ડોને મળવા માંગું છું. ને કોણ જાણે એને શું ય સૂઝ્યું કે મને ફેસબુકના મેસેજબોક્સમાં બ્લોક કરી દીધો. કેટલાય દિ સુધી તો હું વિચારતો જ રહ્યો કે મને બ્લોક કેમ કર્યો હશે. શું એનું કેસબુક એકાઉન્ટ ફેક હશે. ના પણ ફોટા તો એના સાચા મૂકતી હોય એવું લાગતુ તું કારણ કે એ કેટરીના કે કરીના જેવા નહોતા એક સામાન્ય ગૃહીણીના જ હતા. તો પછી મને મળવા કેમ નહીં માંગતી હોય. એના પતિ મારી પત્નીની જેમ વહેમીલા હશે ? ઘરમાં કોઇ બંધન હશે ? કાંઇ સમજાયું નહીં. એક દિ રહસ્યોદઘાટન થયું. મારી વાઇફ મને કહે "કેમ હવે એ ચિબાવલીના મેસેજ બંધ થઇ ગયા ને ?" મેં પૂછ્યું, "તે તો કાંઇ નથી કર્યું ને ?" તે બોલી, "તમને એવું લાગતુતુ કે હું તમને એને મળવા દઇશ ને પછી તમારું ને એનું ઇલું ઇલું ચાલું થઇ જાત. મેં જ એને મેસેજ કરીને કીધુંતું કે ખબરદાર જો મારા પતિને મળી છે તો સારાવાટ નહીં રે ." ને બોર બોર જેવડા આંસુ આંખમાં લાવી મને કહે, "એવું થાય તો હું ટીનીયાને લઇને ક્યાં જોઉં ? આ ઉંમરે મને કોણ સંઘરે ?"

પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવા હાલ થયા. પણ હું હિંમત ન હાર્યો. આમે ય મારે રાજકોટ જવાનું હતું. મેં ત્યાંના ફેસબુકીયા ફ્રેન્ડોનું લિસ્ટ બનાવ્યું. સૌથી પહેલા મેં હરમનને મળવાનું નક્કી કર્યું મેં તેને મેસેજ કર્યો. રોજ નવી નવી ગાડી સાથે ફેસબુક પર હાજર હોય છે. મને મનમાં એમ હતું કે મોટો આસામી છે મને સામે લેવા કદાચ ગાડી મોકલશે પણ હરમનનો કોઇ મેસેજ ન આવ્યો. હું ત્યાંના અન્ય ફેસબુક મિત્ર ધાંધુકિયાને મળ્યો મેં હરમનની વાત કરી. મને કહે, "એ હરમન શાનો એ હિંમત છે ને એ જે ફોટા મૂકે છે તે પોતાના નથી એ તો સામાન્ય મિકેનિક છે." ને મેં બાકીના ફેસબુકીયા ફ્રેન્ડોને મળવાનું માંડી વાળ્યું. ને એ સનાતન સત્ય સ્વીકારી લીધુંં

ફેસબુક મિત્ર હજાર મળે, વ્હોટ્સએપ મિત્ર અનેક,

જે સુખદુઃખમાં સાથ દે, તે (મારી પત્ની) લાખોમાં એક.


Rate this content
Log in

Similar gujarati story from Comedy