ઘરનો ખૂણે ખૂણો
ઘરનો ખૂણે ખૂણો


"આપણે સમયના મમ્મી પપ્પાને આ વાત જણાવવી જોઇએ"
"મને લાગે છે કે ધૂપીએ આ વાત જણાવી જ હશે''
"પણ ધૂપી એ વાત માનવા જ તૈયાર નથી. મેં ધૂપીને કહ્યું ત્યારે તેણે શું કહ્યું ખબર છે ? ધૂપીએ મને કહ્યું કે આ વાત કરવાથી સમયને કોઇ ફરક પડતો હોય તો હું એવું માનીશ કે મે જીવનસાથીની પસંદગી કરવામાં ભૂલ કરી છે. તો આ ડૉ.ધૂપી જીંદગી આખી દર્દીઓની સેવા કરશે. ક્યારેય લગ્ન નહીં કરે. મને ધૂપીની આ વાતથી ડર લાગે છે."
"પણ અંજુ, આપણી તો ફરજ છે. અત્યારે જ આપણે સમયના ઘેર જઇએ આજે રવિવાર છે તેઓ ઘેર જ હશે."
"તમે જઇ આવો કદાચ તેઓ આ સંબંધ માટે ના પાડશે તો મારાથી એ સહન નહીં થાય."
" અરે ના પાડવાનો સવાલ જ નથી આપણી ધૂપી લાખોમાં એક છે... સારું હું એકલો જ જઇ આવું છું. હમણાં ધૂપીને વાત નહીં કરતી. જોઇએ તેઓ શું કહે છે."
રજત સમયના પપ્પા દેવેનભાઇને મળવા ગયા અને અંજુ ભૂતકાળમાં ખોવાઇ ગઇ. આજથી બાવીસ વરસ પહેલા તે પ્રથમવાર ધૂપીને મળી હતી. તે દિવસે તે એક મહીનાના અંશુને લઇને બાલાશ્રય ગઇ હતી. તેને જોઇ બાળકો બોલી ઊઠ્યા.
“દીદી આઇ, દીદી આઇ, દીદી ભૈયાકો ભી સાથ લાઇ”. બાલાશ્રયમાં આશ્રિત સૌ બાળકો અંજુને જોઇ ખુશ થઇ ગયા હતા. એમાય થોડા દિવસ પહેલા જ બાલાશ્રયમાં આવેલી ધૂપીએ સૌને હિન્દી બોલતા કરી દીધા હતા. રેલ્વેસ્ટેશન પર ધૂપીને કોઇ તરછોડી ગયું હતું. રેલ્વે પોલીસે તેના ઘરનાને શોધવા ખાસ્સી મહેનત કરી તે પછી તેને અહીં બાલઆશ્રયમાં મૂકી ગયા હતા. શરુમાં તે તેના મમ્મી પપ્પાને યાદ કરતી પણ હવે તે બાળકો સાથે ભળી ગઇ હતી. તેને પોતાનું નામ સરખુ બોલતા ય નહોતું આવડતું તેથી કોઇ પૂછે તો તે ‘ધૂપી’ બોલતી. તેથી તેને સૌ 'ધૂપી' કહેતા.
અંજુ અહીં ઘણી વાર આવતી. લગ્નના દસ વરસ પછીય અંજુનું ઘર બાળકની કિલકારી વિના સૂનું હતું. વિશાળ બંગલો, પણ બંગલામાં તે એકલી હતી. તેના પતિ રજત બિઝનેસમાં રચ્યા પચ્યા રહેતા. લખલૂટ સંપતિ હતી પણ તેને વાપરનાર કોઇ નહોતું. નજીકના સગાવહાલાની નજર તેની મિલ્કત પર હતી. ઘણીવાર તો તેના જેઠાણી તેને કહેતા કે અમારા અચ્યુતને દત્તક લઇ લ્યો. પણ એમાં લાગણી કરતા પૈસાની લાલચ વધારે હતી. અચ્યુત નાનો હોય તો ય ઠીક છે, તે આઠ વરસનો હતો અને જેઠાણી અચ્યુતને સોંપવા માંગતા નહોતા. એના બે વરસ પહેલા જ અંજુ અને રજતને કાર એક્સિડન્ટ થયો હતો, જો કે ખાસ વાગ્યું નહોતું. બંને બચી ગયા હતા. પણ ત્યારથી અંજુને વિચાર આવ્યા કરતો કે આટલી બધી સંપતિ શું કરવી. તેના ગયા પછી આ સંપત્તિ લાલચું અને સ્વાર્થી સગાવહાલાના હાથમાં જ જવાનીને ને.
અંજુએ એક વખત તેના મોટાભાઇ અને ભાભી પાસે આ ચિંતા વ્યક્ત કરીને કહ્યું, “કદાચ અમને કંઇ થઇ જાય તો તમે આ મિલ્કત સંભાળી લેજો.” મોટાભાઇએ જ રસ્તો બતાવતા કહ્યું, ”અરે તારા હાથે જ એ સંપતિનો સદુપયોગ કર. આ શહેરમાં કેટલાય અનાથાશ્રમ વૃધ્ધાશ્રમ અને હોસ્પિટલ છે."
"પણ મોટાભાઇ, આપણા પૈસાનો ઉપયોગ તેઓ શું કરે તે આપણને શું ખબર પડે ?" ત્યારે મોટાભાઇએ કહ્યું હતું, તારા હાથે જ તે લોકો માટે વસ્તુઓ લઇ જવાની ને તારા હાથે જ વહેંચવાની" એ પછી તો તેને ધ્યેય મળી ગયું.
તે શહેરના જુદા જુદા અનાથાશ્રમમાં જતી. જવાના આગલા દિવસે અનાથાશ્રમના દરેક બાળકની વીશ ફોનથી પૂછતી. ફોન પર સૌ પોતપોતાની વિશ લખાવતા ને એ લઇ હાજર થઇ જતી. તેને જોઇ બાળકો ખુશ થઇ જતા. આ ઉપરાંત બાળકો માટે ચોકલેટ બિસ્કીટ, રમકડાં, મિઠાઇ પુસ્તકો તો ખરા જ. અનાથાશ્રમમાં તે બાળકો સાથે સમય વીતાવતી ક્યારેક બાળકોને નજીકના સ્થળે ફરવા લઇ જતી. ક્યારેક હોટલમાં તો ક્યારેક આઇસક્રીમપાર્લરમાં. બાળકો માટે એ દિવસ યાદગાર બની જતો.
એ જ રીતે અંજુ વૃધ્ધાશ્રમમાં પણ જતી તેને જોઇ વૃધ્ધોની આંખમાં ચમક આવી જતી. તે સૌ સાથે પ્રેમથી વાતો કરતી. સૌના સુખદુઃખ પૂછતી. ક્યારેક સૌને કોઇ યાત્રાધામે લઇ જતી. વૃધ્ધોને રમતો રમાડતી. નિયમિત તેમનું મેડિકલ ચેક અપ કરાવતી કોઇને ડાયાબીટીસ, બી.પી, થાઇરોઈડ જેવી નિયમિત લેવાતી દવાઓ લઇ આપતી. વૃધ્ધાશ્રમ બહેતર બનાવવા તે તેમાં સુખસગવડો કરાવતી.
સરકારી હોસ્પીટલમાં સમયાંતરે જતી. દૂધ ફ્રુટ સાથે લઇ જતી. જરુરિયાતમંદને દવા લઇ આપતી. કોઇને રહેવાની વ્યવસ્થા ન હોય તો રહેવાની વ્યવસ્થા કરી આપતી. આ ઉપરાંત જુદી જુદી હોસ્પીટલોમાં દર્દીઓ અને તેના સગાવહાલા માટે ટીફીન સર્વિસ ચાલું કરાવી. પૈસાની કોઇ જ કમી નહોતી. તેના પતિ તેને જોઇએ તેટલા પૈસા આપતા.
એ બધાની આંતરડી ઠારી, આશિર્વાદ મેળવ્યા એટલે તેના ઘરે ય પારણું બંધાયું હતું. તે દિવસે તે અંશને લઇને આ બાલાશ્રયમાં આવી હતી. સૌ બાળકો અંશને જોઇને ખુશ થઇ ગયા. રમાડવા લાગ્યા. અંશ પણ બધા બાળકોને જોઇ ખુશ થઇ ગયો હતો. અંજુને ય બાળકોએ ઘણાં સમય પછી જોઇ હતી વચ્ચે થોડો સમય તે અહીં નહોંતી આવી શકી પણ તેના મોટાભાઇ ભાભીએ તેની આ જવાબદારી ઉપાડી લીધી હતી. અંજુના આવ્યા પછી થોડી વાર પછી રજત ય બાલાશ્રય આવ્યો. બાળકોની લાગણી અને પ્રેમ જોઇ તે ભાવવિભોર બની ગયો.
અંજુ એ આગલા દિવસે ફોન પર બધા બાળકોની વિશ જાણી હતી. સૌએ પોતપોતાની વિશ કહી જ્યારે ધૂપીનો વારો આવ્યો ત્યારે ધૂપીએ ફોન પર કહ્યું હતું, "મુઝે મમ્મી ચાહિએ.. પાપા ચાહિએ... " અંજુ એ સમયે કશું બોલી ન શકી. તેણે રજતને આ વાત કરીને કહ્યું, "આપણે ગમે તેમ કરીને ય એ મમ્મી પપ્પા શોધી આપીએ તો ?" રજતે કહ્યુ, “તે રેલ્વે સ્ટેશન પર મળી છે. એટલે કદાચ તે તરછોડાઇ પણ હોય. એના કરતા આપણે જ તેના માતા પિતા બની જઇએ તો ? આપણને એક પુત્રી અને અંશને એક બહેન મળી જશે. એક બાળકીને પોતાનું ઘર મળશે. હજુ ત્રણેક વરસની જ છે. તો સહેલાઇથી આપણી સાથે ભળી જશે. તેણે બાલાશ્રયમાં આ વાત કરી. અંજુ અને રજતે જરુરી કાનૂની વિધિ કરી ધૂપીને દત્તક લીધી. ધૂપી ધીમે દૂધમાં સાકર ભળે તેમ ભળી તે કડકડાટ ગુજરાતી બોલતી થઇ ગઇ. ધૂપી ભણવામાં તેજસ્વી હતી.
પંદરેક વરસ પછી જ્યારે તે અઢાર વરસની થઇ ત્યારે તેના અઢારમા જન્મદિવસે તેને આ વાત કરી પણ તે માનવા જ તૈયાર નહોતી કે તે દત્તક પુત્રી છે. ભરપૂર પ્રેમ અને લડકોડ મળ્યા હતા તેણે કહ્યું, "આર યુ જોકીંગ ?" "આ સત્ય છે અમે તારા પાલક માતા પિતા છીએ" તેને દત્તકવિધિના કાગળિયા બતાવ્યા પણ ધૂપીએ કહ્યું, "આ કાગળિયા તો શું ખુદ ભગવાન આવીને મને કહે તોય હું માનવા તૈયાર નથી અને આજ પછી ક્યારેય તમે મારી સાથે આ વાત કરતા નહીં." "અરે બેટા, અમારી ફરજ છે તેથી તને જણાવ્યું."
ધૂપી એ પછી ડૉક્ટર બની તેની સાથે ભણતા રજતના મિત્રના પુત્ર સમય સાથે તેનો પરિચય થયો. પરિચય પ્રણયમાં પલટાયો. બંને લગ્ન કરવાનું વિચારતા હતા આ વાત હજુ અઠવાડિયા પહેલાજ તેણે ઘેર જણાવી. અંશુ અને રજતને પસંદગી ગમી પણ બધુ નક્કી કરતા પહેલા તે એક વાર સમયના માતાપિતાને જણાવવા માંગતા હતા કે ધૂપી તેમની પાલક પુત્રી છે.
એટલામાં અંશ આવ્યો. આવતાવેંત પૂછ્યું,
“દીદી ક્યાં ? મારે આ ચેપ્ટર ..દીદી મને સમજાવવાની હતી.”
“અરે હવે તો એનો કેડો મૂક ? હવે તેના લગ્ન થવાના છે.”
“દીદી જતી રહેશે ? કોણે આવી પ્રથા બનાવી હશે.”
"હા બેટા, એક દિવસ આ જ રીતે હું ઘરના બધાને છોડીને અહીં આવી હતી."
રજતે દેવેનભાઇને આ વાત કરી. એટલામાં ધૂપી અને સમય પણ ત્યાં આવ્યા. સમયને પણ વાત કરી. દેવેનભાઇએ કહ્યું, “તારે આ વાત મને પહેલા જણાવવી જોઇતી હતી.” ધૂપી અને રજતને અઘાત લાગ્યો તેમણે સપને ય નહોતું વિચાર્યું કે આવો પ્રતિભાવ મળશે. તેને વિશ્વાસ હતો કે આ વાત સાંભળીને કહેશે. અરે અમે તો ધૂપીને એના સંસ્કાર જોઇને પસંદ કરી છે. શુ બોલવું તે રજતને ન સમજાયું થોડીવાર પછી તેણે કહ્યું, "પણ હજુ ય કશું બગડ્યું નથી. હજુ તેમની સગાઇ ક્યાં થઇ છે ?"
"સગાઇ તો થઇ જશે પણ હવે આ ઉંમરે હું દિકરી દત્તક લેવા થોડો જઇ શકુ ? અમને ય પુત્રીની કેટલી ઝંખના હતી અમારે બે પુત્રો છે. તે મને પહેલા કહ્યું હોત તો અમને ય સૂઝત ને ?"
ને પછી સમય સામે જોઇ કહ્યું, “હવે હું એક જ શરતે આ સંબંધ માટે હા પાડું છું. કે લગ્ન પછી તારે અને ધૂપીએ એક દિકરી દત્તક લેવાની જ છે.”
“હા પપ્પા હું વચન આપુ છું કે અમે એક દીકરી દત્તક લેશું".
ધૂપીએ કહ્યું "ભલે અમારી પોતાની પુત્રી હશે તો ય..."
ને ઘરનો ખૂણે ખૂણો હસી ઊઠ્યો.