જીંદગીની પાઠશાળા
જીંદગીની પાઠશાળા
"નાનકા, મારી સાથે આવે છે ને ?" એક ગામડિયણ જેવો માણસ બધા કર્મચારીની હાજરીમાં એક મોટી કંપનીના ચેરમેન પદ પર પહોંચેલા પોતાના પુત્રને કહેતો હતો. ને સામે એ 'નાનકા'એ પણ હસતા હસતા કહ્યું, "બાપુજી આ થોડું કામ પતાવી નાખુ. તમે બેસો." "અરે નાનકા, આઇ બેહવા થોડો આવ્યો છું આ તો આ બાજુ નીકળ્યો તો થયું લાવ જોતો જાઉં મારો નાનકો કેવુંક કામ કરે છે." બધુ કામ છોડી એ નાનકો એના બાપુજી સાથે નીચે ગયો. મકરંદે વિચાર્યું, આની જગ્યાએ પોતે હોય તો... હજુ થોડા દિવસ પહેલાં જ તેના બાપુજીએ તેને ઘરમાં મુન્નો કીધું હતું ને તેણે ચોખ્ખું કહી દીધુ હતું. "ખબરદાર જો મને કોઇની હાજરીમાં મને મુન્નો કીધું છે તો.... ને તેની પત્નિએ ટાપસી પુરાવી હતી. "બાપુજી તેમને તેમના નામથી જ બોલાવવાના ... મકરંદ..."
બીજે દિવસે લિફ્ટમાં એ સાહેબ સાથે મેળાપ થયો મકરંદે કહ્યું, "સર, એક વાત પૂછુ ?" સરે હસતા હસતા કહ્યું "અરે એમાં વાત પૂછવામાં મંજૂરી લેવાની હોય ? જે પૂછવું હોય તે પૂછો." "સર,તમને ખરાબ નથી લાગતું આમ બધાની હાજરીમાં તમારા બાપુજી તમને 'નાનકો નાનકો' કરે છે." સર પહેલા તો તેની સામે મરક મરક હસતા જોઇ રહ્યાં. પછી કહ્યું, "હું ઘરમાં સૌથી નાનો તેથી નાનપણથી મને સૌ નાનકો જ કહેતા. હવે બીજા બધા તો મને વિવેક કહે છે... કહે છે ને, "નાણાં વિનાનો નાથિયો નાણે નાથાલાલ" એ બધા માટે હું મોટો બની ગયો. પણ બા બાપુજી સામે હજુ ય એ નાનકો જ છું. બાપુજી મને જ્યારે નાનકો
કહે છે ત્યારે ફરી હું એક્ બાળક બની જાઉં છુ. મારી માથેથી આ જવાબદારીનો બધો બોજ થોડી વાર માટે હટી જાય છે. મને બહું ગમે છે એ નાનકો કહે છે ને એ....".
મકરંદ ઘેર ગયો ત્યાં તેના બાપુજી બોલ્યાં "આવી ગયો બેટા મકરંદ....." મકરંદની આંખમાં પાણી આવી ગયાં. તે બાપુજી પાસે બેસી ગયો અને તેમનો હાથ પકડી કહ્યું , બાપુજી મકરંદ નહીં મુન્નો... તમે હવે મને 'મુન્નો' જ કહેજો. મારે મોટા નથી થવું. હું હંમેશા તમારો પુત્ર થઇને જ રહેવા માંગુ છું"તેમની પત્ની જોઇ રહી.
મકરંદને આજ એક નવો પાઠ એ સર પાસેથી શીખવા મળ્યો. સર તો ખરેખર સર જ હતા. નાનામાં નાના કર્મચારીને ય સર માનથી બોલાવતા. તેમની સાથે અત્મિયતાથી વાત કરતા. કોઇને કંઇ તકલીફ હોય તો મદદ કરતા. સમયસર ઑફિસમાં આવવું અને સમયસર જવું. ક્યારેક ભૂલથીય જો મોડા પડે તો તેઓ આવતાવેંત સ્ટાફની માફી માંગતા અને મોડા આવવાનું કારણ રજૂ કરતા. કામમાં ય એટલાજ ચોક્કાસ ને કામ કરાવવામાં ય પાવરધા. એક વાર મકરંદની કંઇક ભૂલ થઇ હતી તેને મનમાં થયું સર આજે ઉતાવળમાં છે તેથી ક્યાં ધ્યાનથી જોવાના છે આજે એ કામ બતાવી દઉં કાલે ભૂલ સુધારી લઇશ" પણ સરે એ ભૂલ તરત પકડી પાડી અને મકરંદને ફરી એ ભૂલ સુધારીને બતાવવા કહ્યું ને પોતાને મોડું થતું હોવા છતા ત્યાં સુધી ઑફિસમાં રોકાયાં.
તેમની પાસેથી હંમેશા કંઇને કંઇ નવું શીખવા મળે છે. ખરેખર તેઓ જીંદગીની પાઠશાળા જ છે.