mariyam dhupli

Thriller Children

4  

mariyam dhupli

Thriller Children

હેબત

હેબત

11 mins
345


તારીખ : ૦૬ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ પીએમ 

પાનના ગલ્લા ઉપર આવી એણે પૈસા આગળ ધર્યા. પધારનાર ટેક્ષી ડ્રાઈવર નિયમત ગ્રાહક હતો. એટલે એ પૈસાની બદલે એને શું આપવાનું હતું એ કહેવાની જરૂર ન પડી. ગલ્લા પર ગોઠવાયેલા વૃદ્ધ પુરુષે પોતાના જ જેવા વૃદ્ધ રેડિયાનો ધ્વનિ ઊંચો કરવા દરરોજ જેમ જહેમત ઉઠાવી. આગળ પાછળ થતું બટન આખરે એક સ્થળે આવી ટક્યું અને પ્રસારિત સમાચાર કાનમાં સાંભળવા માટે નાખેલા સૂક્ષ્મ મશીનની મદદ વડે નિર્બળ શ્રવણ ઈન્દ્રિયમાં ઝીલાયા. 

" શહેરમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ કાર્યરત. અંતિમ ત્રણ અઠવાડિયામાં ત્રણ બાળકોનું અપહરણ. ન તો પોલીસને હજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે, ન હજી એક પણ બાળકના વાલીનો કોઈએ સંપર્ક સાધ્યો છે. જનતાને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે બાળકો ઉપર નજર રાખવાની અપીલ થઈ રહી છે. જો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફથી કોઈ પણ પ્રકારનું વિચિત્ર, અણધાર્યું વર્તન નિહાળો તો તરત જ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક સાધવા વિનંતી..."

એક ત્રાંસી નજર રેડિયો ઉપર ગઈ. આંખોમાં આંજેલી કાળી કાજલ મોટી આંખોને વધુ પહોળી હોવાની ભ્રમણા અર્પી રહી હતી. ગલ્લા પરથી લંબાવેલા હાથમાંથી પાન ઝડપથી ઊંચકી લઈ મોઢામાં દબાવીને ઠુંસી દેવાયું. હોઠની રેખાઓ ઉપર બે આંગળી દબાણ જોડે ફરી વધારાના લાલ રંગને શોષી ગઈ. ગળામાં બાંધેલા રૂમાલને થોડી ઢીલ આપી કડક ગરદન ચારે દિશામાં વર્તુળાકાર ફરી ત્યારે હાડકાંમાંથી એ હલનચનનો પુરાવો આપતો અવાજ બિહામણી રીતે ગૂંજયો. ગલ્લા પરની વૃદ્ધ આંખો બંધ પડી ગયેલા રેડિયાને ફરી મરંમત કરવા કમને વળગી. હાથમાંની કાંડા ઘડિયાળ પર એક ઝડપી નજર ફેરવી ખાખી પેન્ટ ગલ્લા સામે પાર્ક કરેલી ટેક્ષી તરફ ઉપડી. ગાડી નજીક પહોંચતાજ ખિસ્સામાંનો મોબાઈલ વાઈબ્રેટ થયો. પડદા પર ઝળહળી રહેલા નામ તરફ એક ત્રાંસી નજર કરી ઉતાવળ જોડે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ડ્રાઈવરે બારીનો કાચ હવા ચુસ્ત ઉપર ચઢાવી લીધો. ગાડીમાં થઈ રહેલી વાતચીતનો એક પણ શબ્દ બહાર સંભળાઈ રહ્યો ન હતો. બીજી જ ક્ષણે ટેક્ષી શહેરના રસ્તાને પૂર ઝડપે ચીરવા લાગી. 

તારીખ : ૦૬ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૧૫ પીએમ 

ગાડી જોડે ભયંકર થડકાર થયો. કશુંક અફળાયું. જવાબદાર મોબાઈલ પરના વાર્તાલાપને અટકાવી કોલ કાપી નખાયો. અચાનક લાગેલી જોરદાર બ્રેક થકી આખું શરીર સંતુલન ખોરવી બેઠું હતું. જો સીટ બેલ્ટ ન બાંધ્યો હોત તો ? તો...

ધીમે રહી થુંક ચોર ડગલે ગળા નીચે સરકી પડ્યું. ગળામાં બાંધેલા રૂમાલની ગાંઠ છોડી દેવામાં આવી. ઊંડા થયેલા શ્વાસ લેવાની સહેલાઈ થઈ. ધીમે રહી ગાડીનો દરવાજો ખોલવામાં આવ્યો. ગાડીના આગળ તરફ ચળકી રહેલી હેડલાઈટના પ્રકાશ સિવાય રસ્તામાં એક પણ વીજળીનો સ્ત્રોત હાજર ન હતો. ન કોઈ વીજળીનો થાંભલો. ન દૂર દૂર સુધી કોઈ મકાન, રહેઠાણ વિસ્તાર કે વાહનવ્યવ્હારનું કોઈ માધ્યમ. સુનો, ઉજ્જડ, વેરાન, અંધકારથી ઘેરાયેલો માર્ગ. મનમાં રાહત થઈ. કોઈએ કશું નિહાળ્યું ન હતું. ન કોઈ ગવાહ, ન કોઈ પુરાવો. માથા પરના પરસેવાને હાથમાં થમાયેલા રૂમાલ વડે ચુસ્ત લૂછી લેવામાં આવ્યો. એક નજર ચારે તરફ નાખી ખાતરી પાક્કી થઈ ગઈ. ધીમા ધીમા ડગલે રસ્તાના ખૂણા તરફ ખાખી પેન્ટ આગળ વધી. આંખમાંની કાળી કાજળ વિસ્મયથી વધુ વિસ્તરી. રસ્તા પર પડેલા શરીરમાં કોઈ હલનચલન ન હતું. કોઈ વાહનવ્યવ્હારનું માધ્યમ આવી ચઢે એ પહેલા ત્યાંથી નીકળી છૂટવા કદાવર શરીર ટેક્ષી તરફ પાછળ ફર્યું કે જમીન પર પડેલા શરીરમાં હલનચલન થયું. ધીમે રહી સખત ગરદન પાછળ વળી. હાથમાંનો રૂમાલ ફરી ગળામાં આવી ભેરવાયો. પાનની એક પિચકારી રસ્તાના અંધકારમાં કશે અદ્રશ્ય થઈ ગઈ. બે આંગળી બંને હોઠની સીમા રેખા પર ફરી વળી. કશું ક્ષણીક મનોમંથન થયું. એ મનોમંથન થકી લેવાયેલા ક્ષણિક નિર્ણય સ્વરૂપે હાથ આગળ લંબાયો. રસ્તા પર પડેલા આઠેક વર્ષના છોકરાએ પોતાનો હાથ ડરતા ડરતા નજર આગળ ફેલાયેલા હાથમાં આપ્યો. માંડ માંડ મોટા અકસ્માતના મોઢે બચી ગયેલું બાળક ટેક્ષીમાં ગોઠવાયું. પડખે ડ્રાઈવિંગ સીટ પર આવી બેઠેલા કદાવર શરીર પ્રત્યેનો ભય એની બાળઆંખોમાં સ્પષ્ટ ઝીલાયો. સીટ બેલ્ટ બાંધતા એક કડક નજર પગથી લઈ માથા સુધી બાળકના શરીરનું નિરીક્ષણ કરતી જાણે એક્સરે કાઢી રહી. 

" નામ શું છે તારું ? "

પ્રશ્નમાં વર્તાયેલી કડકાઈથી નાની હથેળીઓ ધ્રૂજવા માંડી. 

" દીપુ "

ગાડી અંધકારને ચીરતી આગળ વધી ગઈ. 

" અહીં શું કરી રહ્યો હતો ? ક્યાં રહે છે તું ? "

પ્રશ્નોનો વરસાદ ન જીરવાતાં નાનકડી આંખોમાંથી વરસાદ વરસી પડ્યો. 

" મને ઘરે જવું છે. બા બાપુ પાસે. "

રડવાનો અવાજ કાન માટે અસહ્ય હોય એમ કડક ચહેરા પર કંટાળો વ્યાપી ગયો. એ જ સમયે ડેસ્ક ઉપરનો મોબાઈલ રણકવા માંડ્યો. દૂરથી જ પડદા પર ઝળકી રહેલા નામ પર એક ત્રાંસી નજર ગઈ. એક ઊંડો ઉચ્છવાસ ભરી નજર ફરી પડખેની સીટ પર ગોઠવાયેલા બાળ શરીર પર પડી. 

ધમકાવતો અવાજ ગાડીમાં ગૂંજી ઉઠ્યો. 

" આટલો ડર લાગે છે તો એકલો એકલો કેમ નીકળી પડ્યો ? "

નાનકડી હથેળી એ મોટી મોટી અશ્રુ ધારાને સાફ કરવાનો પ્રયાસ કર્યો. 

" ઘરમાં બહુ ડર લાગતો હતો એટલે હું અહીં ભાગી આવ્યો. "

ગાડીની બારી ખોલી પાનની એક પિચકારી ગાડી બહારના ઘટ્ટ અંધકારમાં ઉછળી અદ્રશ્ય થઈ કે ફરી કડક હાથ દ્વારા બારી હવાચુસ્ત બંધ થઈ ગઈ. 

" કેમ ઘરમાં કોઈ નથી ? "

ધમકીભર્યો અવાજ વધુ કડક થયો.

" છે ને. બા બાપુ. પણ એ વારંવાર ઝગડે છે. ને જયારે જયારે એ ઝગડે છે ત્યારે મને ખુબ જ ડર લાગે છે. મને ફટાકડાઓ જોઈતા હતા. એ વાત પર બંનેની ફરી લડાઈ થઈ ગઈ. બાપુ એ શરાબ પીધી હતી. બા એની જોડે મોટેથી બુમબરાડા પાડી રહી હતી. હું ડરી ગયો. ઘરમાંથી ભાગી આવ્યો. દોડતો દોડતો દૂર નીકળી આવ્યો. જ્યાં બંનેનો અવાજ ન સાંભળી શકું... "

હૈયાફાટ રુદનની ધાર ફરી છૂટી અને શબ્દોનું સ્થળ લઈ બેઠી. એ જ સમયે ફરીથી ડેસ્ક પરનો મોબાઈલ રણકવા માંડ્યો. અર્ધી મિનિટ સુધી એ એમ જ રણકતો રહ્યો અને છેવટે શાંત થઈ ગયો. એક વેધક નજર એ મોબાઈલને તાકતી રહી. ગાડીમાં ગૂંજી રહેલ રુદન યથાવત હતું. એ રુદનમાં પસ્તાવો હતો, ડર હતો અને મૂંઝવણ પણ હતી. 

" ઘર ક્યાં છે તારું ? " 

રુદનની ધાર વચ્ચેથી ધીમે ધીમે સરનામું બહાર નીકળ્યું અને ટેક્ષીએ શીઘ્ર યુ ટર્ન માર્યો. 

થોડા સમય પછી ટેક્ષી એક ગરીબ રહેઠાણ વિસ્તાર નજીક આવી થોભી. આંખો સામેના મકાનને નિહાળી બાળચહેરા ઉપર અશ્રુ મિશ્રિત મીઠું સ્મિત ફરકી ગયું. ખાખી પેન્ટ ટેક્ષીમાંથી બહાર નીકળી. બીજી તરફનો ગાડીનો દરવાજો ખુલ્યો. વિસ્મયભર્યા હાવભાવો જોડે બાળશરીર બહાર નીકળી આવ્યું. અતિ ઝડપે મકાનની દિશામાં ડોટ લાગી. પછી અચાનક કંઈક જરૂરી કામ યાદ આવ્યું હોય એમ ભાગતા ડગલાં થંભી ગયા. પાછળ ટેક્ષી પાસે ઉભેલા ડ્રાઈવરને દૂર અંતરેથી જ પ્રશ્ન પૂછવામાં આવ્યો. 

" હવે બા બાપુ નહીં ઝગડે ને ? "

મોંમાંથી પાનની પિચકારી માર્ગમાં એક ખૂણામાં ઊડી. રાહ જોવાઈ રહેલા પ્રશ્નના ઉત્તરમાં કાજલવાળી મોટી કીકીઓ નકારમાં ધૂણી ઊઠી. 

મનમાં વ્યાપેલો પરમ સંતોષ બાળચહેરા ઉપર મોટું સ્મિત બની ફરકી ગયો અને મકાન તરફ ફરીથી દોટ આરંભાઈ. કશુંક ઊંડું મનોમંથન કરી ખાખી પેન્ટ ટેક્ષીમાં પ્રવેશી. ડેસ્ક પરનો મોબાઈલ તરત જ હાથમાં આવ્યો. ક્યારના રણકી રહેલ નંબરને કોલ બેક થયો અને બારીનો કાચ હવાચુસ્ત ઉપર સુધી એવી રીતે બંધ થયો કે અંદર તરફના વાર્તાલાપને કોઈ સાંભળી ન શકે. 

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૦૦ પી.એમ.

કારની ડેસ્ક ઉપરનો મોબાઈલ સ્પીકર ઉપર હતો. સ્ટીઅરિંગ ફેરવી રહેલા સ્ત્રીના હાથમાં રીસના પ્રત્યાઘાત હતા.

" હા તો એમાં બધો જ વાંક મારો છે ? "

" તો શું મારો છે ? "

" યસ વિનીત તારો જ છે. જયારે પ્રેગ્નન્સી વિશે જાણ થઈ હતી ત્યારે મેં સ્પષ્ટ કહી દીધું હતું કે હું બાળક માટે માનસિક રીતે તૈયાર નથી. ત્યારે તે શું કહ્યું હતું ? સૌ ઠીક થઈ જશે. તું મારી સાથે છે. બંને મળીને બાળકને સંભાળી લઈશું. થોડા મહિનાઓમાં હું ફરી કામ પર પરત થઈ જઈશ. અને આજે સાત વર્ષ પછી તું બધું જ ભૂલી ગયો ? યુ ફરગોટ યોર પ્રોમિસ, વિનીત. "

" ના, હું નથી ભૂલ્યો કઈ પણ. બટ ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ. ઈટ્સ ફેસ્ટિવ ટાઈમ. ઘરે બધા તારી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને અનમોલ. "

" તું જાણે છે વિનીત. મને તારા જેવા નિશ્ચિત કામના કલાકો નથી. આમ એ ક્રાઈમ રિપોર્ટર. ગમે તે સમયે,ગમે તે સ્થળે, ગમે તે તહેવારમાં પણ મારે કામ તો કરવું જ પડે ને. અનમોલ ઈઝ જસ્ટ એ ચાઈલ્ડ. પરંતુ તું તો એને સમજાવી શકે ને ?"

" પાછી એ જ વાત. આઈ કાન્ટ ટેક ધીઝ એની મોર. "

" ઓહ રિયલી. ઈનફેક્ટ આઈ કાન્ટ ટેક ધીઝ એની મોર. સમસ્યા અનમોલની નથી. સમસ્યા તારી છે. ઓફિસ સમય પછી તને અનમોલને સાચવવો પડે છે એટલે તું આમ ગરજી રહ્યો છે. એની સિટર આમ અચાનકથી કામ છોડી જતી રહી તો હું શું કરું ? મારું કામ છોડી દઉં ?"

" યુ આર રાઈટ. સમસ્યા અનમોલની નથી. સમસ્યા તારી છે. તારી કારકિર્દી પેરેન્ટીંગ કરતા પણ વધુ મહત્વની છે, રાઈટ ? તો એક કામ કર છોડી દે. જોબ નહીં, મને અને અનમોલને છોડી દે. ધેન યુ કેન હેપ્પીલી ડુ યોર જોબ. "

" હાઉ સેલ્ફીશ, વિનીત. યુ આર રિયલી મીન. તને શું લાગે છે તું કહેશે ને હું મારા બાળકને છોડી દઈશ. યાદ રાખજે નાના બાળકની કસ્ટડી માતાને જ મળે છે. યુ વીલ સ્ટે અલોન. નોટ મી. અન્ડરસ્ટેન્ડ ? "

" હેલો, હેલો, હેલો.... નિકિતા...હેલો...કેન યુ હિયર મી ? હેલો..."

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ પી.એમ.

ટેક્ષી એ જ મકાન આગળ આવી ઊભી રહી ગઈ. ધીમેથી ખાખી પેન્ટ ટેક્ષીમાંથી બહાર નીકળી. બીજી તરફનું બારણું ખોલવામાં આવ્યું અને સીટ પર પડેલો ભેટનો ડબ્બો હાથમાં લઈ બારણું ફરી લોક કરી દેવામાં આવ્યું. ધીમા ડગલાં મકાનની દિશામાં આગળ વધ્યા. મકાનના બારણે ટકોરા પાડવામાં આવ્યા. એક હાથમાં ભેટનું સંતોલન સાધવામાં આવી રહ્યું હતું. બીજા હાથ વડે ગળામાં વીંટળાયેલા રૂમાલને ઢીલો કરવામાં આવ્યો. પાનની પિચકારી મકાનની ભીંત પર ઊડાડવાનો વિચાર પડતો મૂકાયો. બારણું અંદર તરફથી ખુલ્યું. કાજલ આંજેલી આંખો આગળ એક યુવાન છતાં આધેડ જેવી દેખાતી સ્ત્રી ઊભી હતી. ચહેરા પર અજૂગતા ભાવો હતા. કોઈ અજાણ્યો માણસ રાત્રીના સમયે દરવાજે ઊભો હતો. હાથમાં ભેટનો ડબ્બો હતો. વિચિત્ર અને અપેક્ષાવિહીન પરિસ્થિતિ હતી, બંને પક્ષે. 

" હું મનોજ. ટેક્ષી ચલાવું છું. "

ઓળખાણ આગળ વધે એ પહેલા પાછળ તરફથી એક પાતળા, અશક્ત દેખાતા પુરુષનું શરીર પણ આગળ તરફ આવી ઊભું રહી ગયું. એ પુરુષની લાલચોળ આંખોમાં નજર મેળવતા પરિચયવિધિ આગળ ધપી. 

" ગઈ કાલે રાત્રે હું જ તમારા પુત્રને ઘર સુધી છોડી ગયો હતો. એ મારી ટેક્ષી જોડે અથડાઈ ગયો હતો. "

સ્ત્રી અને પુરુષ એકબીજાને ચિંતાથી તાકી રહ્યા. એમની ચિંતા નિવારવા તરત જ સામેની દિશામાંથી આશ્વાસન મળ્યું. 

" ચિંતા નહીં કરો. માંડ માંડ બચી ગયો. પણ એ ખૂબ જ ડરેલો હતો. "

સ્ત્રીની આંખોમાંથી આંસુની ધાર છૂટવા લાગી. નિર્બળ દેખાતો પુરુષ એની પડખે આવીને મૌન ઊભો રહી ગયો. એનો ધ્રૂજતો હાથ સ્ત્રીના ખભા પર ટેકવાઈ ગયો. 

" માફ કરશો. પણ હું સૌ જાણું છું. દીપુએ બધું જ કહી દીધું. તમારી શરાબની લત અને ઘરમાં થતા કજિયાઓ એના નાના મગજને પજવે છે. જયારે જયારે તમે બંને લડો છો ત્યારે ત્યારે તેને પોતાનું ઘર અસુરક્ષિત લાગે છે અને બહારનું અસુરક્ષિત જગત આ ઘરથી પણ સુરક્ષિત લાગે છે. એ જ સુરક્ષાની શોધમાં એ ઘરમાંથી ભાગી છૂટ્યો હતો. પણ એ બિચારા બાળકને શું ખબર ? બહારના વિશ્વમાં કેવા રાક્ષસો..."

સ્ત્રીની રુદનની ધાર અનિયંત્રિત થઈ ઊઠી. પુરુષની શુષ્ક આંખોમાં પણ ભેજ ઘેરાવા માંડ્યું. પસ્તાવાથી ગરદન ધીમે ધીમે ધુણવા લાગી.

એક ઊંડો શ્વાસ ભરી ભેટનો ડબ્બો દંપતીની દિશામાં આગળ ધરવામાં આવ્યો. 

" આ દીપુ માટે છે. એને ફટાકડા જોઈતા હતા ને ? હું ગઈ કાલે એને મળ્યો એ પહેલા ટેક્ષીમાં મોબાઈલ ઉપર મારી પત્ની જોડે જીભાજોડી થઈ રહી હતી. એ પહેલીવાર ન હતું. બાળકોને લઈને અમે આમ જ લડ્યા કરતા. એ ભૂલીને કે જે બાળકો માટે અમે જંગલી પ્રાણીઓ જેમ લડતા રહીએ છીએ એ લડાઈ, ઝગડા, કજિયાઓ એમના નાના મગજને કેટલા પજવતા હશે ! બહારની દુનિયાથી બાળકો ડરે ત્યારે માતાપિતા પાસે સુરક્ષા માટે દોડી આવે. પણ જયારે માતાપિતાથી ડરે ત્યારે સુરક્ષા શોધવા ક્યાં જાય ? દીપુએ મારી આંખો ઉઘાડી. મારી પત્ની ઈચ્છતી હતી કે તહેવારની રાત્રી ઘરે પસાર કરું. એની જોડે, બાળકો જોડે. હું દીપુનો મૂકી સીધો ઘરે જતો રહ્યો. કમાણી થોડી ઓછી થઈ પણ ખુશીઓ ઘણી બધી એકઠી કરી. દીપુનો આભાર માનવા આવ્યો છું. "

હૈયાફાટ રુદન કરતી સ્ત્રી ભોંય ભેગી બેસી પડતી. નબળું, સુકાયેલું શરીર પત્ની નજીક જમીન પર ગોઠવાઈ ગયું.

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૧૫ પી.એમ.

સ્ત્રીએ માંડ માંડ સ્ટીઅરિંગ પર નિયંત્રણ મેળવ્યું. ગાડીને લાગેલી અચાનક અને જોરદાર બ્રેકથી એનું શરીર અને હૈયું બંને ધ્રૂજી રહ્યું હતું. હાથમાં કંપારી હતી. મોબાઈલ બ્રેક નજીક જઈ પડ્યો હતો. એમાંથી સંભળાઈ રહેલા હેલો, હેલો...શબ્દોને ને જવાબ આપવાની સુધબુધ રહી ન હતી. બીજી ક્ષણે કોલ પણ કપાઈ ગયો. 

સ્ત્રીના ગળામાંથી થુંક ભયભીત નીચે તરફ સરક્યું. ધીમે રહી એણે ગાડીનો દરવાજો ખોલ્યો. ચારે દિશામાં નજર ફેરવી. ઘટ્ટ અંધકારમાં કશું નજરે ન ચઢ્યું. વેરાન, ઉજ્જડ વિસ્તારમાં ન એક પણ માનવી હતો, ન કોઈ મકાન, ન કોઈ પણ પ્રકારની અવરજવર. પ્રકાશનો એક પણ સ્ત્રોત દૂર દૂર સુધી નજરે ચઢી રહ્યો ન હતો. રાત્રીના જીવડાઓ ચિત્રવિચિત્ર અવાજો કાઢી રહ્યા હતા. હિંમત ભેગી કરતી કારની હેડલાઈટના એકમાત્ર પ્રકાશને અનુસરતી એ ધીમે ધીમે આગળ વધી.

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૧૫ પી.એમ.

ભોંય ભેગા થયેલા સ્ત્રી પુરુષની પાછળની ભીંત તરફ કાજલધારી મોટી કીકીઓ વિસ્મયથી ફાટી પડી. હાથમાંની ભેટ જમીન પર પછડાઈ ગઈ. હૃષ્ટ પૃષ્ટ શરીરના રોમેરોમમાં અરેરાટી વ્યાપી ઊઠી. 

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૨૦ પી.એમ.

કાર જોડે ટક્કર પામેલા શરીરમાં કોઈ પણ પ્રકારનું હલનચલન ન હતું. સ્ત્રીએ એક નજર ફરીથી ચારે દિશાના ઘટ્ટ અંધકાર તરફ નાખી. તરત જ ડગલા કારની દિશામાં ધપ્યા કે પાછળ જમીન પર પડેલા શરીરમાં હલનચલન થયું. સ્ત્રીએ ધીમે રહી નજર પાછળ ફેરવી. એક ઊંડો શ્વાસ એ રીતે ખેંચ્યો કે જીવમાં જીવ પરત થયો હોય. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એણે જમીન પર પડેલા શરીરની મદદ કરવા દોટ મૂકી.

તારીખ : ૦૭ / ૧૧ / ૨૦૨૧ 

સમય : ૧૦ : ૨૫ પી.એમ.

" હા, દીપુ ઘર છોડી ભાગી ગયો હતો. અમારા ઝગડાઓથી હેબતાઈ ગયો હતો. રોજ રોજના કજિયા એના નાના મનને સતત પજવ્યા કરતા હતા. અમારા ક્રોધ અને સ્વાર્થની અગ્નિમાં અમે બંને તો દરરોજ ભડથું થઈ રહ્યા હતા.પણ અજાણતા અમે એના નાજૂક કાળજાને રોજ કટકે કટકે બાળી રહ્યા હતા. એ ભાગી ગયો. ખૂબ જ દૂર. પછી કદી પરત ન થયો. હાઈવે પર એક ગાડી નીચે કચડાઈ ગયું એનું નિર્દોષ શરીર. દસ વર્ષ થવા આવ્યા છે એ અકસ્માતને. પણ હજી સુધી આપ જેવા કેટલા માતાપિતા એને શોધતા આવી બારણું ખખડાવે છે ! જાઓ, સાહેબ. ઈશ્વરે જે ફરિસ્તાઓ આપ્યા છે આપના ઘરમાં એમની સુરક્ષા કરો, સાહેબ..."

ભીંત પરની તસ્વીર ઉપર ફૂલમાળા ચઢી હતી. દીપુ એમાંથી નિર્દોષ સ્મિત વેરી રહ્યો હતો.

ધ્રૂજતા શરીરે ખાખી પેન્ટ બહાર ઊભી ટેક્ષીની દિશામાં ભાગી...

એ જ ક્ષણે સુમસાન હાઈવે પર સ્ટીઅરિંગ સંભાળતા સ્ત્રીએ પડખે બેઠા બાળકને હેતથી પૂછ્યું, 

" શું નામ છે તારું ? "

બાળકે ડરતા ડરતા જવાબ આપ્યો,

" દીપુ "


Rate this content
Log in

Similar gujarati story from Thriller