mariyam dhupli

Abstract Drama

4  

mariyam dhupli

Abstract Drama

બફારો

બફારો

4 mins
416


મારી આંખો અત્યંત જડ હતી. ચોપાટ ઉઘડેલી આંખોની કીકીઓ એકજ સ્થળે સ્થિર જડાઈ ગઈ હતી. એક પણ પલકારો ઝબકવાનું નામ લઈ રહ્યો ન હતો. હલનચલનને જાણે કોઈ અવકાશ ન હોય એવી રીતે મારું શરીર પૂતળા સમું નિષ્ક્રિય બની ગયું હતું. મારી ફાટેલી આંખો આગળ મારો ત્રીસ વર્ષનો દીકરો નંદન ટટ્ટાર ઊભો હતો.

હું એકીટશે ક્યારની એને નિહાળી રહી હતી. સફેદ કડક ઈસ્ત્રી થયેલા શર્ટની બાંય એણે કોણી સુધી વાળી હતી. નીચે તરફ ડેનિમની જીન્સ સપ્રમાણ કમરને અત્યંત જચી રહી હતી. બહુ બોડી ટાઈટ પણ નહીં ને બહુ ઢીલી પણ નહીં. મારી સંપૂર્ણતા પસંદ જાતને એની સુંદર ફિટિંગ સંતોષ આપી રહી હતી. એના હાથમાંની લેધર વોચ અત્યંત શોભનીય હતી. 

એની ઊંચાઈ આટલી બધી ! અને નાક પણ ઘણું લાબું દેખાઈ રહ્યું હતું. ભૃકુટિ જાડી ભરાવદાર ઊગી નીકળી આવી હતી. દાઢી પર થોડા વાળ છોડી મૂક્યા હતા. આછી મુંછ જોડે એ મેળ ખાતા હતા. એ કેટલો બદલાયેલો લાગી રહ્યો હતો ! એકદમ તરુણ જેવો જ. એના શરીરના જીન્સ શું એના પિતા જોડે વધુ મળતા હતા. પણ સ્વભાવ, પ્રકૃત્તિ કોના મળ્યા હતા ? શું એ પણ મારી જેમ શાંત, ધૈર્યવાન અને અંતર્મુખી કે પછી તરુણ જેવો ધીરજવિહીન, ઉતાવળીયો અને બહિર્મુખી ? 

એનું લોહી મારી જેમ કોઈ કલા પાછળ ઘેલું છે ? કે એ પણ તરુણ માફક સવારથી સાંજ યાંત્રિક દોડાદોડી કરે છે ? કમ્પ્યુટરની સ્ક્રીન આગળ રોબોટ જેમ બેસી તો નથી રહેતો ? 

એના ખભા પર ભેરવેલી ઓફિસની બેગ તરફ મારી ઓચિંતી નજર પડી. ઠુંસાઈને ભરાયેલા કાગળિયા અને દસ્તાવેજોના વજનથી જાણે ફાટુફાટુ થઈ રહી હતી. આટલો બધો ભાર ? એને નોકરી તો મળી ગઈ હશે ને ? ને જો મળી ગઈ હોય તો આશા રાખું કે સરકારી હોય. ખાનગી નોકરીનો શું ભરોસો ? રાતોરાત તમને ધક્કા મારી કાઢી નાખે તો શું કરવાનું ? ક્યાં જવાનું ? પરિવારના ખર્ચાઓને પહોંચી વળવા ...

પરિવાર !

યાદ આવ્યું. નંદનના લગ્ન થયા કે નહીં ? અને જો થઈ ગયા હોય તો યુવતી કોણ હશે ? અહીં આજ સમાજની કે પછી ...ખબર નહીં, હવે આ પેઢી માટે તો બધું જ શક્ય છે. એમના વિચારો વિસ્તર્યા છે. હૈયા જુદી રીતે ધબકે છે અને એમના અપડેટ થયેલા મગજ દરેક જગ્યાએ ફક્ત તર્ક શોધે છે. જીવનને જુદા ચશ્માથી નિહાળે છે. જે પણ હોય મારે પણ તો મારા જુના ચશ્મા બદલવાજ પડશે. નંદનની ખુશીમાં ખુશ રહેતા શીખીશ તો જ એના જીવનનો એક સુખદાયી હિસ્સો બની શકીશ. મને એના પરિવાર માટે તાણ અને સંઘર્ષ નથી ઉત્પન્ન કરવા. આખરે એનું પરિવાર એજ મારું પરિવારને ! 

મારી વહુ નોકરી તો કરતી હશે ને ? એ વિચારે મન ઘણું વ્યાકુળ થઈ ઉઠ્યું. હવે એ તો એની મરજીની વાત. બાકી હું તો ઈચ્છું કે એ નોકરી કરે. નહીંતર મારી જેમ ચોવીસ કલાક રસોડામાં પુરાઈ જશે. મોંઘવારી પણ તો હવે આકાશે પહોંચી હશે. એકજ પર્સમાંથી ઘર કઈ રીતે ચાલે ? બન્ને હળીમળીને કમાઈ ને ઘરને સંભાળી લે,બસ. હા, કદાચ તરુણને ન ગમશે. એને સ્ત્રીઓનું બહાર કામ કરવું ક્યાં ગમે છે ? પણ કોઈ વાંધો નહીં. હું પરિસ્થિતિ સંભાળી લઈશ. નંદનને મારો પૂરો ટેકો મળશે. 

પરંતુ તરુણ ...

તરુણ હજી જીવતા હશે કે ....

શું એ મારી પહેલાંજ ...? કે હું એમની પહેલાં ...?

અને જો એ મારી પહેલા તો હું એકલી કઈ રીતે ...

મારા શ્વાસ ડરથી ફૂલવા લાગ્યા. જાણે કે છાતી ભીંસાઈ રહી હતી અને અસહ્ય વજન મારા હૈયાને કચડી રહ્યું હતું.

નહીં, જરૂરી નથી કે તરુણ મારી પહેલા... શક્ય છે કે હું એમની પહેલા ....ને જો હું પહેલા ...તો પછી ...

મારા ચહેરા પર બાઝેલા પરસેવાના ટીપા મારી અકળામણને જીરવી રહ્યા હતા કે બારીમાંથી અચાનક આવેલી પવનની જોરદાર લ્હેરથી હું ચોંકી. મારા હાથમાંનું પુસ્તક જમીન ઉપર પડ્યું. એના અવાજથી મારુ મગજ સચેત થયું. મેં સાચવીને પુસ્તક ઉઠાવ્યું. એના કવરપેજ પર પ્રેમથી હાથ ફેરવ્યો. 

' ૧૦૧ બેડટાઈમ બાળવાર્તાઓ '

શીર્ષક વાંચતાજ એક મીઠું સ્મિત ચહેરા પર રેલાઈ ગયું. મારું માથું અવિશ્વાસમાં ધીમે ધીમે હાલી ઉઠ્યું. અચાનક બદલાયેલા વાતાવરણનો પૂરાવો આપતો વાદળોનો ગડગડાટ ભર બપોરે શયનખંડમાં ગૂંજી ઉઠ્યો. અકળાવતો, દઝાડતો સૂર્યનો બફારો અદ્રશ્ય થયો. ઓચિંતા ઘેરાઈ આવેલા મનને ટાઢક આપતા અંધકારમાં આછી આછી હવાની ઠંડી લહેર પ્રવેશી અને પોતાની જોડે ખેંચી લાવેલા વર્ષાના આછા છાંટાઓનો મારા ચહેરા પર હળવો હળવો છટકાર કર્યો. એ મેઘબિંદુઓને મારા બન્ને હાથની હથેળી વડે મેં મારા આખા ચહેરા ઉપર ફેલાવી લીધા. એ તાજગી પાછળ બધોજ અગમ્ય પરસેવો શોષાઈ ગયો. 

મેં ધીમે રહી પડખું ફેરવ્યું. 

સ્નાન પછી લગાડેલા પાવડરની હૃદયગમ્ય સુવાસ મારી ઈન્દ્રિયોને વાત્સલ્યસભર ઉત્તેજિત કરી ગઈ. પડખે નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી રહેલા મારા ચાર વર્ષના માસુમ, નિર્દોષ નંદનનું કપાળ મેં હળવેથી ચૂમી લીધું અને એના ખુશ્બુદાર શરીરમાં મારી મમતાને લપેટી સંતોષથી આંખો મીંચી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract