વસમો વિરહ
વસમો વિરહ
મિલનની વાટ જોવામાં,
જીવન મારું વીતી જાતું,
વિતે જનમો જનમ મારાં,
મિલન તોયે ન શીદ થાતું,
શાને તડપાવે શામળિયા,
રાખીને હૈયાને રોતું,
વિયોગે હૈયું તરફડતું,
દરદના દિલ મહીં માતું,
મનાવું કેમ હું તુજને,
એ તો કેમે ન સમજાતું,
વિરહની વેદના સહેતું,
તોયે ગુણલા તારાં ગાતું,
થતી આ જગમાં બદનામી,
થતી ચહુ લોકમાં વાતું,
તોયે તુજ નામનું ઘેલું,
જરી ઓછું નથી થાતું,
જીવનની બાજી હારીને,
મરણનાં ઝોલાં એ ખાતું,
મિલનની એક પળ દઈ દે,
નંદીને, તારું શું જાતું.
