વિરહવ્યથા
વિરહવ્યથા
વ્હાલ તણો વરસાદ વરસતો,
અંતરમનને છલકાવે...
શામળ તારી યાદ આવે ને,
મનડું મારું મહેકાવે...
દિલની દોલત તને લૂંટાવી,
હરી-ભરી હું થઈ જાતી
પ્રિયતમ તારા મધુર મિલનમાં,
નયણાં કેવાં શરમાયે....
પળ પળ મારી સંગે રે'તો,
એકપળ ના અળગી રાખે,
અંતર કેરા તારને જોડી,
નાદ બંસીનો રેલાવે...
અંતરનાં અંકોડા ગુંથાતા,
કાળજડે મધુવન ઓપે,
મન માંડવડે મલપંતો તું,
રગરગમાં વહેતો થાયે...
એકાકાર આ અંતર થાતું,
તારી સમાધિમાં જ્યાં સરે,
અંતરિયે ઓળીપા પડતાં,
અવરલોક પહોંચી જાયે....
સોહમ કેરો સાદ કરીને,
શામળ જ્યાં સન્મુખ થાયે,
ઓચિંતાનો છટકી જાતો,
આગ વિરહની વરસાવે...
મનને મનમાં બળતી રહેતી,
આંખલડી પણ છલકાયે
દિલ દાવાનળ ભડકી જાતો,
વિરહ તારો બહુ તડપાવે...
દિલ દાવાનળ ભડકી ઊઠતાં,
અંગે અંગે લ્હાય બળે,
નંદી તારી બાવરી થાતી,
વિયોગમાં તારા મુરઝાયે.
