વીતેલી ક્ષણો
વીતેલી ક્ષણો
જીવન આયખું જાણે કે જડતર જડ્યું છે,
વિચારોનું માણસને આજ નડતર નડ્યું છે,
ક્ષણોનું છે ચણતર આ રંગબેરંગી પથ્થરમાં,
એક એકલું મનપંખી યાદોને માળે ચડ્યું છે,
વિતેલી કૈંક ક્ષણોમાં ને રૂડા વાસંતી રંગોમાં,
વૃક્ષોના અંગેઅંગમાં જાણે ઝાકળ દડ્યું છે,
એક ડાળીએ કલરવ ને સોનેરી વૈભવમાં,
એક પીંછું ખરીને આજ છાનુંછાનું રડ્યું છે,
સિતારોને તારે નામ ખૂટતા એક એક શ્વાસે,
શિખરે ઝગમગતું એ સાવ એકાંતે પડ્યું છે,
હલેસાની નાવ અને સરતા શબ્દોને સંગાથે,
આ અતરંગી મન ભીતર ખુદથી લડ્યું છે,
હિસાબો શું કરવા આ સુખ દુઃખના મનવા,
અમારું છે ભાગ્ય ને અમે ખુદ તો ઘડ્યું છે.
