વિધવાની વેદના
વિધવાની વેદના


નેણે નબળી કાને બહેરી,
હળવે હાથે હયાત હોય,
દુઃખનાં ડુંગર રૂદિયે રાખે,
કડવાં વેણ કણસતાં હોય,
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
સામે મળે સજજન કોઈ,
પાછા ફરતા એને જોઈ.
મનમાં ને મનમાં મૂંઝાય,
ધીરજ પગલાં પાવઠ જાય.
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
ઘરમાં સૌને ડાકણ ભાસે,
ટાબર એથી અળગાં રાખે.
નિજનો કુંવર કોક પુંખે,
લેખ વિધિના એને ખૂંચે.
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
કંથ કેસરીયા પ્રેમ પિયુડા,
વાટ વિસામા વારે આવો.
મોત તમારી પ્રેમ ઘેલુડી,
પરણેતર ને પારખે ધાયાં.
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
દોષ ભરેલા દુનિયાદારી,
દિકરાને પણ દો સમજાવી.
વિધવા માની આંખ ઠરતી,
તુંને સૂતો પારણે ભાળી.
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
સેજ સૂની ધરતી સૂની,
સૂનો છે સંસાર સરવાણી.
પરમાર્થ ચેતવે ચેતો જગનાં,
દોષ ભરેલાં નરને નારી.
તોય અબળા આયખું આખું,
એકલ પંથે જીવતી જાય.
-:શબ્દ સમજૂતી:-
કાને બહેરી= લોકોનાં મેણાં સાંભળે તો છે પણ બહેરી હોય અને સાંભળ્યું જ ન હોય એવું, એ લોકો સાથે મજબૂરી વશ પ્રેમપૂર્ણ વર્તે છે.
નેણે નબળી = દુનિયાના બધાજ રંગો તે જૂએ તો છે પણ મજબૂરી વશ જાણે જોઈ જ શકતી ન હોય, એમ તેનાથી લોભાતી ન હોય એમ દુનિયાની નજર સામે વર્તે છે.
હળવે હાથે = અહીં વિધવાના ચૂડો ઉતરાવી દેવામાં આવે છે. એટલે હાથ જાણે સાવ હળવા હોય એમ તેને લાગે છે.
મોત... પારખે ધાયાં= અહીં તેની નૈતિકતા અને પવિત્રતાની પરીક્ષા લેવાય છે એમ પોતાના સ્વર્ગવાસી પતિને કહે છે.
કવિનું કથન:-
આ કાવ્ય એક વિધવા બહેનના દિકરાનાં લગ્ન વખતે લખ્યું હતું. જ્યારે એમનો દિકરો પરણવા ગયો ત્યારે એમને ઘરે જ રાખવામાં આવેલાં. જાનમાં આવવા ન દીધા. દિકરો પરણીને ઘેર આવ્યો ત્યારે પણ તેમણે વર વધુને પુંખવાની ના પાડેલી. બિચારાં બહેન રડે તો પણ અપશુકન કે'વાય. એટલે ના રહેવાય અને ના સહેવાય, એવું બનેલું. એ બિચારાં રસોડામાં બેઠા હતાં. બહાર ધૂમધામ હતી. એમની આંખમાં આંસું હતાં ને મોં ઉપર વિધવા નામનું તાળું. આ વ્યથાનો હું સાક્ષી. હું પણ અંધશ્રદ્ધાના સેવકો સામે નિ:શબ્દ રહેલો. પણ મારી કલમ એ વખતે ચાલેલી !