વિધવા ભાગ-૩ વિધવાનું આક્રંદ
વિધવા ભાગ-૩ વિધવાનું આક્રંદ


(રાગ-એજી લક્ષ્મણ ઘડીક ઊભા રહોને...)
અરે, પ્રભુ ! તારે ને મારે હતું શું વેર ?
વેરી બની શીદ આવ્યો રે ?
મારા પતિદેવને આવ્યું મરણ,
અભાગિયા શીદ લાવ્યો રે ?
અરે, આજે બન્યો તું કેમ નિર્દય ?
દયાનું ઝરણું કયાં ગયું રે ?
એવો રક્ષક બની થયો ભક્ષક,
એવું તે તને શું થયું રે ?
અરે, મારો નોધારીનો આધાર,
શીદને તેં છીનવ્યો રે ?
પ્રભુ તારી દયાનો એ ભંડાર,
કયાં જઈને ઠાલવ્યો રે ?
અરે, તેં તો તોડયું મારું મનોબળ,
કરી તેં મને નિરાધાર રે;
એવા મારા હૈયાની તોડી તેં હામ,
જીવનમાં રહ્યો ન સાર રે !
અરે, એવા દુખિયાના ઉદ્ધારક,
દુઃખી મને શીદ તેં કરી રે ?
એવા મારા અંતરની હણી આશા,
વેદના શીદ ભેટ ધરી રે ?
અરે, મારા હૈયાનો છીનવી હાર,
તને એમાંથી શું મળ્યું રે ?
એવા મારા પ્રાણાધારનો લૈ જીવ,
 
; પેટ તેં કેટલું ભર્યું રે ?
અરે, તારે લેવો'તો મારો જીવ,
એનો જીવ શીદ લીધો રે ?
એવા સૂર્ય આડે બની વાદળ,
અંધકાર શીદ દીધો રે ?
અરે, જીવન સાથેનો ખેલ,
પૂરો નહોતો ખેલ્યો રે;
ત્યાં કરી નાખી તેં ઉતાવળ,
યમને જલ્દી મેલ્યો રે !
અરે, તું વટાવી ગયો હદ,
તારું કામ તેં કર્યું રે;
એવો નજરે ચડયો તને જે,
એનું જીવન હર્યું રે !
અરે, તેં તો વર્તાવ્યો કાળો કેર,
ન જોયું તેં પાછું વાળી રે;
એવો કપટી થૈ કર્યું કપટ,
જિંદગી કરી તેં કાળી રે !
અરે, મારાં સાસુ રડે છે ચોધાર,
નણદી લાગી માથું કૂટવા રે;
એવા દિયરિયે મૂકી લાંબી પોક,
ધિક્કારું છું તને હું વિધવા રે !
અરે, મારા સંસારને ઉજાડનાર,
આવો તું કદી' જો થશે રે;
એવો જેનો ઉજ્જડ કરીશ સંસાર,
વિધવાની હાય લાગશે રે !