વૈશાખ
વૈશાખ
અગનગોળા ઓકતા આભમાં સૂરજનારાયણ
કોયલ ટહુકતી આંબે પીળી પાકે મીઠી રાયણ,
ખેતરે ખેડૂત ખાતર વાવી જુવે છે મેહની રાહ
ઉપર નભમાં કોરી વાદળી જોઈને રડે છે ચાહ,
પાદરે પરબ પર ભીડ તરસ્યા વટેમાર્ગુ તણી
ગોતતા ભાભલા છાંયડો વડલા પીપળા ભણી,
ઊડતી ધૂળની ડમરી ઉની વાતા વગડે વાયરા
ઢોલિયા ઢાળી ફળિયે રાતનાં ડાકલા ને ડાયરા,
ઢબૂકતાં ઢોલ લગ્નના વગર મુહૂર્તે અખાત્રીજે
પૂનમે ચાંદ છૂપાયો વિશાખા નક્ષત્રે તેજ ચીજે,
અગનગોળા ઓકતા આભમાં સૂરજનારાયણ
કોયલ ટહુકતી આંબે પીળી પાકે મીઠી રાયણ.