ઉજાસ વાવી લે હવે તું
ઉજાસ વાવી લે હવે તું
જે ઊગે તે આથમે, આ વાત જાણી લે હવે તું,
છે સમયની ચાલ ન્યારી, આજ પોંખી લે હવે તું,
રંગ બદલે જિંદગી, પાછું વળીને કર નજર તું,
ધૂળધાણી થાય તારું સ્વપ્ન, દોડી લે હવે તું,
સાવ બેસી રહી નઠારો, કાપતો કાં પાંખ તારી ?
કાલ આવે ના કદી પણ આજ ઊડી લે હવે તું,
ફેર સમજી સિંહ ને શિયાળ વચ્ચેનો, હવે ઝટ,
ખાલ છોડી થા ખરો ને સત્ય શોધી લે હવે તું,
તર્ક કરતા અર્કને પામ્યા, હવે ચિંતા નથી 'શ્રી',
વ્હેમનું ઓસડ ફળ્યું, ઉજાસ વાવી લે હવે તું.
