તું મારા ધબકારમાં છો
તું મારા ધબકારમાં છો
તું શ્વાસ બની મારામાં ધબકતો જાય છે,
તું મહેક બની જીવનમાં ખુશ્બુ ફેલાવતો જાય છે,
તું મીઠું ઝરણું બની આ સહરાના રણ જેવી જિંદગીમાં
પણ ગુલાબ ખીલવતો જાય છે,
તું આકાશની બુંદો બની આ હૃદયની વિરાન ધરા ને
લીલીછમ બનાવી જાય છે,
આ દર્દ અને વ્યથા ભરેલી જિંદગીમાં
તું શીતળ લેપ બની દર્દો ભૂલાવી જાય છે,
આ સ્વાર્થ ભરેલી દુનિયામાં નિ:સ્વાર્થ બની
દિલ ને ખુશીઓથી ભરપૂર બનાવી જાય છે,
લાખોની ભીડમાં પણ હું હતી એકલી
મળ્યો જો તારો સાથ તો એક એકલી
લાખો બરાબર થઈ ગઈ,
હવા જેમ સૂકા પર્ણો ને સાથે લઈ જાય
એમ તે પણ મારી વ્યથાઓને ઉડાડી દીધી,
જેમ સૂરજના કિરણોથી પીગળે આ બરફ
એમ તારી હૂંફથી મારી ઉદાસી ઓગાળી ગઈ,
જેમ નસ નસમાં લોહી વહે
તેમાં
સાથે તારી લાગણી ભળી ગઈ,
હતી હું તો કથીર પણ તું સોનું બનાવી ગયો,
હતી હું પથ્થર તું મુરત બનાવી ગયો,
હતી હું ઝીરો એકડો બનીને મારું મૂલ્ય વધારતો ગયો,
તું શ્વાસ બની મારા ધબકારમાં છો,
તું મારો પ્રભાકર,
તું મારા શણગારમાં છો,
તું મારા વ્યવહારમાં છો,
તું મારા ધબકારમાં છો.

