ટહુકતો કલરવ
ટહુકતો કલરવ
પંખીઓના કલરવે ઊગતો સૂરજ અવનીએ છાયો,
સાંજનો સમીર ચાંદો લઈ ફરી ધીરે ધીરે વાયો,
ખુલ્લી પડી ગઈ પ્રીત પ્રભાતે પાંદડે પાંદડે જાણ્યું,
ધરણીએ લજવાઈ ચળકતું સોનેરી ઓઢણું તાણ્યું,
સંધ્યા રાણી કેસરિયા કરી નીકળ્યા ગગને ખીલવા,
તારાઓની મંડળી ચાલી આતુર આંખે ઝીલવા,
ચાંદની રાતે છાનુંમાનું અજવાળે પોત પ્રકાશ્યું,
ટહુકાઓનો કેકારવ શમતા ધરતીને ચૂમવા ચાલ્યું,
દિન ઢળતા કસુંબલ આંખોએ અંતરપટ ખોલ્યા,
સુંદર ગુલાબી શમણાએ પાંપણે પડદા ઢોળ્યા.

