તમે આવજો રે તમે લાવજો રે
તમે આવજો રે તમે લાવજો રે


તમે આવજો રે તમે લાવજો રે,
એક નાનકડું મનગમતું ફૂલ,
એનો રંગ હોજો રાતો,
જાણે સાજન મદમાતો,
પોંખવા હાલું વ્હાલે રે પુષ્પદૂત,
– કે તમે લાવજો લાવજો રેશમિયું ફૂલ,
વૈભવ હો વન જેવો,
નિત હો કલશોર નવો,
ના ખૂટે ખાટલિયે વાતોનાં પૂર,
-કે તમે લાવજો લાવજો સૌરભિયું ફૂલ,
ઝુલાવું બે હાથે એવું,
મ્હેંકે તમ ઉર જેવું,
ઢોળું અમૃતના મધૂરા રે કુંભ,
– કે તમે લાવજો લાવજો શર્મિલું ફૂલ,
હૈયે કેસુડાના રંગ,
રાધા કાનજીના સંગ,
ચાહતે ચીતરાવું સ્નેહના સગુણ,
-કે તમે લાવજો લાવજો મનગમતું ફૂલ,
ના કહું તને નાનકડું ફૂલ,
તું ખજાનો સ્નેહનો મહામૂલ,
તમે આવજો રે તમે લાવજો રે,
એક નાનકડું મનગમતું મનગમતું ફૂલ.