થયાં હશે
થયાં હશે
સોયનાં નાકાંમાંથી પહેલાં તે પસાર થયાં હશે,
પછી ઝરણાંઓ પહાડ ઉપર સવાર થયાં હશે.
દોસ્ત ! કરફ્યુ પણ કશું નહીં બગાડી શકે એનું,
જે એકલતા અને ઉદાસીનાં શિકાર થયાં હશે.
સમય પણ એક ક્ષણ માટે રોકાઈ ગયો હશે,
એ જ્યારે ખીલતાં ફૂલો જેમ તૈયાર થયાં હશે.
એકબીજા વચ્ચે ઘણાં બધાં કરાર થયાં હશે,
પછી જ પ્રેમી પંખીડા ઘરેથી ફરાર થયાં હશે.
ફૂલોની જવાબદારી ભમરાને સોંપી હશે ત્યારે,
હજાર વાર ફૂલોની સાથે બળાત્કાર થયાં હશે.
શમણાંઓ તૂટીને આંખમાં જ્યારે ખૂંચ્યા હશે,
ત્યારે કાજળ નહીં અશ્રુનાં શણગાર થયાં હશે.
ન્હોતી પારકાંને ખબર કે કમજોરી શું છે મારી ?
સ્વજન થકી જ દુખતી રગ પર વાર થયાં હશે.
ઘાવ ન રુઝાવાનું એક જ કારણ લાગે છે મને,
એક જ જગ્યા ઉપર ઘા વારંવાર થયાં હશે.
જરૂરી નથી પ્રેમમાં દગો મળે તે શાયર જ થાય,
અમુક ચિત્રકાર તો અમુક અમલદાર થયાં હશે.