દિવાળી છે
દિવાળી છે
કવિતાના કોડિયાને પેટાવો તો દિવાળી છે,
દુખ્યાના હોંઠે સ્મિત લાવો તો દિવાળી છે.
ધૂળીયા માર્ગે તો ઘેટાનાં ટોળાં ઉમટ્યાં છે,
કંઈક જુદો રસ્તો અપનાવો તો દિવાળી છે.
દીવાને ઘરમાં પ્રગટાવીને શું વળવાનું કો'તો ?
જો ભીતરમાં દીવાને સળગાવો તો દિવાળી છે.
જેની આંખોનાં ઝરુખે માત્ર ઉદાસી ઊભી છે,
એની આંખેથી એ ઉદાસી હટાવો તો દિવાળી છે.
જેની જીભે ક્યારે મીઠાઈના સ્વાદો ચાખ્યા નથી
એને જુદી-જુદી મીઠાઈ ખવડાવો તો દિવાળી છે.
કોણ હિન્દુ કોણ મુસ્લિમ એ ભેદો ભૂલીને,
સૌને પ્યારથી ગળે લગાવો તો દિવાળી છે.
અત્તરોની ફોરમ હરકોઈ ફેલાવવાના આજે,
પણ પરસેવાની ફોરમને ફેલાવો તો દિવાળી છે.