શબ્દ શણગાર
શબ્દ શણગાર
શબ્દો સંગે વહેતી અંતર,
અમરત કેરી ધાર.
શબદ સંગે જોડાયા છે,
અંતર કેરા તાર.
શબ્દો કેરું પાનેતર
ને શબ્દો હૈયા હાર.
શબ્દો કેરી નાવલડી,
ને શબ્દોની પતવાર.
શબદ કેરી સેવા કરતાં,
ખૂલતા અંતર દ્વાર.
શબદ કેરી વાટે મળીયો,
જીવન કેરો સાર.
નંદીનો તો શબ્દ બ્રહ્મથી,
થાતો બેડો પાર.
શબદ તણો ધબકાર છે હૈયે,
શબ્દ તણો લલકાર.
શબ્દ તણો સંસાર વસાવ્યો,
શબ્દ જ જીવન સાર.
શબદ શબદ કરે સાબદા,
રાખે શબ્દ ખબરદાર.
શબ્દ કંકુ ને શબ્દ જ ચોખા,
શબ્દ જ પૂજા સાર.
શબ્દો કેરો શંખ ફુંકીને,
કીધો શબ્દ લલકાર.
શબ્દ વિના નિશબ્દ છે નંદી,
શબ્દ જ તારણહાર.
શબ્દો સંગે વહેતી અંતર,
અમરત કેરી ધાર.
