સાચા હમસફર મા ને બાપ
સાચા હમસફર મા ને બાપ
જીવન સફરમાં મળ્યાં મુને, બે અનોખા માનવી,
એક પિતા ને બીજી વ્હાલી મારી માવડી.
મા એે પ્રસવ્યો પુરા નવ માસે મુને,
લખલૂટ લાડે મુને, ઉછેર્યો વ્હાલા મા-બાપે,
માંગુ હું પાણીને, પાઈ ધરવતાં દૂધે,
હું હરખાવું ત્યારે નૈણાં બેઉંના ઠરે,
પડું કે ચડું, ઠોકર જરીક વાગે,
લઈ ઔષધી બેઉં જલ્દી દોડતાં આવે,
સાજો માંદો હું થતો જરાયે,
સુશ્રુષા કાજે બેઉ રાતભર જાગે,
થયો હું થોડો મોટો ને નિશાળે ભણવા જાતો,
ક્યારે આવું એની રાહે આંખે અજંપો થતો,
વેઠ્યા સંઘર્ષો બેઉંએ ત્યારે આજે હું થયો મોટો,
સપના મારા પૂરા કરવા ન જોઈ દિનને રાતો,
ભણી ગણીને મોટો થયો લાવ્યો નવલી નાર,
તરત કર્યો સ્વીકાર બેઉંએ અમારી ખુશી કાજ,
હમસફર મારી પત્ની કહે આને વૃદ્ધાશ્રમ કાઢો.
સાંભળી એની વાત હૈયે કચવાટ ઘણો થાતો,
નારી એટલે ત્યાગ, સમર્પણ શું કેવળ એ વાતો ?
મમતામયી નારી આવી ? યક્ષ પ્રશ્ન થાતો !
હૈયું મારુ રડી પડે ને આંખોથી અશ્રુ છલકે,
સાચા હમસફર કોને ગણું આ જિંદગીની સફરે ?
