રાધા રિસાણી
રાધા રિસાણી
રાધા રિસાણી, ઓલ્યો કાન રે મનાવે !
જારે, જા કાનુડા કાળા કાળા કાનુડા !
બંસીને હૃદયે ચાંપી હોઠોથી વગાડે,
સૂર એના જોને ! મારું હૈયું ચીરી નાખે,
ગોવર્ધન પર્વતને આંગળીએ રે નચાવે,
સહુ વ્રજવાસીઓનાં દિલ હરખાવે,
હું રે અધીરી કાન જોવા દોડી દોડી,
આવું તારા દ્વારે કાન નિરખવાને ભોળી,
તોયે તું ન આવે મને શાને રે સતાવે ?
નહીં બોલું તારી સાથે, જાને ગોવાળીયાં,
રિસાણી રાધા, એને કાનુડો મનાવે,
કિયા રે કારણે ગોરી લીધા છે રુસણાં,
હું રે અટવાયો તો ગોપબાળોના વૃંદમાં,
ઓરે, સખી રે ના શોભે આ રુસણા ?
તારા વિના સખી મને ક્યાંયે ન ગોઠે ?
કહે તો પ્રિયે આજ ફરીથી વેણુ વગાડું !
કહે તો પ્રિયે, વૃંદાવનમાં રાસ રચાવું,
તારે કાજ રાધા ! આજ કરામત કરું, બ્રહ્માંડ નચાવું,
ના રુઠો રમણી, મારી રાધિકા રાણી,
નહીં હસો તો, કરી કરામત, સમસ્ત સૃષ્ટિ ડોલાવું.
