STORYMIRROR

Irfan Juneja

Children Drama Fantasy

3  

Irfan Juneja

Children Drama Fantasy

પુસ્તક

પુસ્તક

1 min
28K


બાળપણની મીઠી યાદોને શબ્દોમાં કંડારવા,

એ લખોટી, ભમરડો ને સાતોળિયું ફરી યાદ કરવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


વરસાદનાં પાણીમાં કાગળની હોળી દોડાવવા,

ઝરમર પડતાં વરસાદમાં છબછબિયાંને યાદ કરવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


તારા મમ્મીનાં હાથનાં શક્કરપારા અને મારા મમ્મીનાં હાથનાં થેપલાં,

પ્રવાસનાં એ યાદગાર દિવસોને વાગોળવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


મહાદેવનાં મંદિરે મળતાં પ્રસાદને ફરી એ નાના ખોબામાં લેવા,

સાતમ-આઠમનાં મેળામાં ચકરડીની યાદોને તાજી કરવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


ઇદનાં શિરખુરમાં મારે ઘરે અને દિવાળીની મીઠાઈ તારે ઘરે ખાવા,

આપણાં બાળપણનાં તહેવારોનો ઉત્સાહ યાદ કરવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


નિશાળમાં તારી પાટલી પર મારી જગ્યા રોકવા,

પંદરમી ઓગષ્ટનાં સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદો કંડારવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


ટાયરનાં પૈડાંને રોડ પર દોડાવવા,

શેરીના ક્રિકેટને શબ્દોમાં સજાવવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..


વોટ્સઅપ અને ફેસબુકની આ દુનિયામાં,

બાળપણની યાદોને તાજી રાખવા,

ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Children