પરદેશમાં
પરદેશમાં
ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
છોડ્યા વતનના રે વ્હાલ
દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
સોન પીંજરે પૂરાયા રે લાલ
એની વેદનાના સાંભળજો હાલ
જમવાના નોંતરા ના દેશો આ દેશ
મારા હૈયાને લાગશે રે ઢેસ
ભાણે બેસી ને જમવાની મજા
વ્હાલા ! ખોઈ અમે આવી પરદેશ
વતનની વાત તમે ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠ જો
કેવી મળતી હૂંફ આંગણાંના તાપણાએ
ને વાતોના તડાકા વિસરાયા આ દેશ
વાતાનુકૂલિત ઓરડે થાતા મૂંઝારા
ઝૂરે મારું નાનું હૃદિયું આવી પરદેશ
મેળામાં મહાલવાની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠ જો
કોયલના ટહૂંકાએ ટહૂંકે મારો દેશડો
ને મેઘલો નચવે મોરલાને તાનમાં
સંગેમરમરના પથ્થર સમ આજ હું
સંવેદનાના સૂરો ખોળું પરદેશમાં
પાદરની ભભૂતિની વાત ના છેડજો
પરદેશની આકરી લાગે આ વેઠ જો
છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
નથી જડતા દાદા દાદી એના વેશમાં
બાપથી સવાયા એ ખોળાના હેતડાં
ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
વતનની મીઠી વાતો તમે ના છેડજો
