પાનખરના પાન
પાનખરના પાન
પાનખરની ડાળના ખરતા પાન અમે,
વાસંતી ગીતે છાના ખીલીએ !
અમે ફૂલડાં સંગે વિહરીએ....
ફાગણ ફોરમતા સુગંધના દરિયે અમે,
રંગો લઈને એમાં તરીએ !
રંગતા, રંગાતા ઊડતા સવાલ
ઝાંકળ ઝીલીએ કે પછી મોતી....
જિંદગી આખી આ રંગમંચ રંગીન,
રંગોના દાવ અમે રમીએ !
પાનખરની ડાળનાં ખરતા પાન અમે
વાસંતી ગીતે છાના ખીલીએ....
ડાળીઓના ટહુકામાં એવા ડૂબ્યા,
કે અમને પાંખો આવીને અમે ઊડ્યા !
ગુલમહોરે રંગીન યાદોમાં સર્યા
પછી પીળા પર્ણોમાં આમ ખર્યા....
રંગાઈ રંગાઈ ને હવે કેટલું રંગાઈએ
ખરવાના દિવસો, અમે ખરીએ !
પાનખરની ડાળના ખરતા પાન અમે
વાસંતી ગીતે છાના ખીલીએ !
અમે ફૂલડાં સંગે વિહરીએ.....!
