ઓઢી ચૂંદડી તારા નામની
ઓઢી ચૂંદડી તારા નામની
તારા રંગે રંગાઈ છું મારા શામળા,
મેં તો ઓઢી છે ચૂંદડી તારી વાલમા..
બરસાનામાં ચેન ન આવે, તુજ સંગ આનંદ આવે,
રૂમઝૂમ કરતી દોડી આવું, પાયલ શોર મચાવે,
તારી સુરત જોઈ મન મારું નાચે શામળા,
મેં તો ઓઢી છે ચૂંદડી તારી વાલમા....
જન્મ જન્મની પ્રીત જોડી મેં, યાદ સતાવે તારી,
તારા મારા પ્રેમની ચર્ચા, થાય છે વ્રજમાં સારી,
તડપ તને મળવાની લાગી છે શામળા,
મેં તો ઓઢી છે ચૂંદડી તારી વાલમા....
તારા પ્રેમની દિવાની છું, મિલન માટે હું ઝંખુ,
મુરલી મધુરી સાંભળીને હું, રાતે નિંદ્રામાં ઝબકુ,
આવી દર્શન દઈ દે મુજને તારા શામળા,
મેં તો ઓઢી છે ચૂંદડી તારી વાલમા......
શરદ પૂનમની રાત છે ન્યારી, વાટ જોઉં હું તારી,
યમુના કાંઠે રાસલીલામાં નાચું હું સંગ તારી,
"મુરલી" છેડી દે મધુર મીઠી શામળા,
મેં તો ઓઢી છે ચૂંદડી તારી વાલમા.

