નથી
નથી
કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી,
ને હટાવીને ફરી એને ય બસ પડવું નથી.
હા તમે સાચા જ છો માની લઉં છું,
વાતે વાતે રોજ કોઈ સંગ ના લડવું નથી,
લો બનાવી સ્મિત રાખો આપના મુખચંદ્ર પર
કે તમારી આંખનું આંસું થઈ દડવું નથી,
રેશમી પાંપણમાં છૂપાવી દો એ રીતે મને,
છો જગત આખું મને શોધ્યા કરે, જડવું નથી.
જૂઠ મીઠું હોય છે છો ને એ ગમતું હોય,
પણ ગળે જો ઉતરે આ સત્ય પણ કડવું નથી.
માર્ગથી એનાં હટી જાવ બસ હવે હું તો,
કોઈને પણ મારે પથ્થર થઈ નડવું નથી.
હાથ જોડીને હું 'નાના' માફી આજ માંગુ આ૫ની,
નકામુ તો જિંદગીભર મારે પણ સડવું નથી.
