નથી મળતી
નથી મળતી
અલખની આંખમાં તો લાગણી ક્ષણભર નથી મળતી,
ખૂટે જો શ્વાસ તો આ જિંદગી પળભર નથી મળતી.
હતું એવું નિરાંતે ઊંઘશું ઓઢી કફન જાતે,
ખુશી પામી હતી જગમાં એ તો અંદર નથી મળતી.
ઘણાયે ચોપડા ફેંદયા, ને સરવાળા તપાસ્યા પણ,
અમારા આ નફાની ખતવણી સરભર નથી મળતી.
હૃદયના આ ઝખમને દાટવા શોધી જગા થોડી,
મળી અમને જગા જગમાં છતાં ભીતર નથી મળતી.
હશે જો હામ હૈયે ભીંત તોડીને ઉગો કાયમ,
પણ પીંપળ સમ બધાની જિંદગી સદ્ધર નથી મળતી.
