નિશાળ ત્યારની
નિશાળ ત્યારની
મોડું થઈ ગયું છે બહુ નિશાળ જવાનું
બૂમ પાડી બાપુજી ઉઠાડતા પાંચ વાગે,
રોટલો ખાઈ ને છાશ પિતા ભરપૂર પછી
નીરણ નાખીને શિરામણ કરાવતા ઢોરને,
નાહ્યા ધોયા વગર ઊભા રહી જતા ટટ્ટાર
તેલ નાખી બાબરી ઓળાવતા બા ત્યારે,
ખભે લટકાવી દફતર સૌ ભાગતા ભેરુબંધ
હોય થેલીમાં પાટીપેન ને ચોપડી એકાદ બે,
નોટ પેનની નહીં વાત તો વળી મોંઘી બહુ
ઈશનું રાજ છે આખું પ્રાર્થના ગાતા સૌ,
ભારત મારો દેશ એવી પ્રતિજ્ઞા લેતા રોજ
પાણી પેશાબ રીસેસને કહેતા ને કરતા મોજ,
મેલોઘેલો હોય લેંઘો અમારો ધોળો ધફ
ને ખિસ્સે ભરી હોય માંડવી મુઠ્ઠી પાંચ,
તરસ લાગ્યે પંજો બતાવવો જાણે કર્યો કેચ
ભૂખ લાગ્યે બેવડે અંગુઠે અંગુલી ઊંચી ચાર,
દબાણ થયે આંગળી ઊંચી કરતા એક કે બે
હકાર ભણે જો સાહેબ તો દોડતા વાળી મુઠ્ઠી,
તાસ બાસની તો રહેતી વળી એસી ને તેસી
સાહેબ ભણાવે મન પડ્યે સળંગ આખો દિ,
ઘંટ જયારે બપોરનો વાગે લાગે મીઠો મધ
દોટ મૂકીને ખેતરે ભાગી ખાઈને કરીએ કામ,
વાંચવું લખવું ને લેસન વળી કઈ બલાનું નામ
રજા પડ્યે બેખબર અમે પરીક્ષા થઈ કે નહીં,
પાસ થયા કે નપાસ ખબર પડે ગામને ચોરેથી
ગામના ભાભા વાતું કરતા હોય પરીક્ષા પુરી થ્યે,
બહુ ભણ્યા હવે એને લગાડો ખેતરે કામ
પડોશી સૌ સલાહ આપે ઉંમર થાય વરસ તેર,
બા બાપુ કહે પેટે અમે પાટા બાંધશું બાર
ઉદ્ધાર થાય એનો દેશાવર ખેડે તો જ,
ભણ્યા વગર ભાવ કોઈ પૂછે નહીં પરદેશ
મોડું થયું બહુ પરદેશ જવાનું બા પાડે બૂમ.