નાથ તું રાજી હવે
નાથ તું રાજી હવે
રણ સમું જીવન ભલે, જીવી જવું છે મોજથી !
ના, નિરાશા ઉર ધરું, કોળી જવું છે મોજથી !
શ્વાસ ચરખો ઈશ ચલાવે ! હોય કો' ચિંતા હવે ?
આશનું આંજણ કરી, મ્હોરી જવું છે મોજથી !
જીવતર સુખ દુ:ખ તણી ઘટમાળ, ઢળતી રાત દિન,
આગ હો કે બાગ ! બસ મ્હાલી જવું છે મોજથી !
લે પરીક્ષા જિંદગી, પાછા કદમ ના વાળવા,
શૌર્ય તો સૌંદર્ય છે ! ખીલી જવું છે મોજથી !
લાલિમા અકબંધ ભાળી મુખ, જગત પણ દંગ 'શ્રી',
નાથ તું રાજી હવે ? પૂછી જવું છે મોજથી !
