મોરપિચ્છ
મોરપિચ્છ
પંખી બની પાંખ ફફડાવતી મુક્ત ગગનમાં વિહરતી
ભીતર ભીનો નાદ ઘુઘવતી ઉર ઉમંગે ઉજવતી,
વન વગડે માળો શું ને વૃક્ષનો ઘેઘૂર છાંયો શું
ઉમળકાઓનો ઘૂઘવતો વૈભવ જ્યાં વસુ એ માળો
પવન સપાટે કલરવ કરતી ઊંચે ઊડવા મથતી
પ્રીત તણી પીંછી લઈ રંગોની આભને હું રંગતી,
ઊડતી ફરતી પહોંચી હું તો કદંબ કેરી ડાળે
ઝાકળ જેવી આંખો ખોલી બેઠી યમુના પાળે
સમી સાંજે સળવળતું કાંઈ મોરપિચ્છ જેવું ભાસે
મારા શામળિયાની સંગે રાધા રાસમંડળમાં મ્હાલે,
નવ પ્રભાતે ઈશ વિશ્વસે ઊડતી શમણાની સંગાથે
જીવન ઉત્સવ ડગર ડગર મારા શામળિયાની સાથે.
