મને ફુરસદ નથી
મને ફુરસદ નથી
સાવ બળવાની મને ફુરસદ નથી,
રોજ મરવાની મને ફુરસદ નથી...
સાદ ઈશનો રોજ સાંજે થાય છે,
તોય મળવાની મને ફુરસદ નથી...
છે હજી એ ડાળ સાથેની મમત,
આમ ખરવાની મને ફુરસદ નથી...
આ તરંગોને ખબર શી સાગરે,
હોડ કરવાની મને ફુરસદ નથી...
રેત જેવા તો સપન સરકી જશે,
રણને તરવાની મને ફુરસદ નથી...
એક અહીં રેખા રહી હાથે સદા,
ભાગ્ય રળવાની મને ફુરસદ નથી...
જિંદગીનાં પણ કસબ સાદા નથી,
સત્ય લખવાની મને ફુરસદ નથી...
એ સમય પણ ત્યાં જ ઊભો છે હજુ,
સાંજ ધરવાની મને ફુરસદ નથી..
'નિત' ધારો એમ બનતું તો નથી,
ખાસ નડવાની મને ફુરસદ નથી.
