જગતનોં તાત
જગતનોં તાત
રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું,
સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું.
ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જિંદગી,
ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું.
છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો,
ગોદ ધરતીનીં મળે નિરાંતની તો રાત છું.
વાદળાનીં છે અદેખાઈ ને જામે માવઠું,
હોઠ સુધી કોળિયો હો ને મળે એ લાત છું.
હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં,
પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું.
વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે,
પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.
'નીત' આમાં વાવણીનો જોગ હોવાનોં નથી,
કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું.