મમતામઢ્યું ગોદડું
મમતામઢ્યું ગોદડું
માતા ! તારી ચરણરજમાં વિશ્વ મારું સમાયું,
ભીનાં નેત્રે નમન તુજને, મંગલાશિષ માંગું !
વાણી તારી: "તુજ કલમ સેવા તણાં ભાવ પ્રેરે"
શ્રદ્ધા મારી તુજ શબદમાં, તે જ ઉત્સાહ પૂરે,
તારાં ઊરે મુજ કથન જે "ગોદડું" વ્હાલ પામ્યું,
આજે એને અમર કરવા છંદમાં હું સજાવું !
(શીખરીણી)
તમારા આવાસે સગવડ તણાં સાજ સઘળાં,
છતાં હૈયું ઝંખે અવિરત પણે માતૃમમતા;
ઘણી અર્પે શાતા વિજનજગતે ગોદડું સદા,
સજાવ્યું જે માએ નિજ કર વડે ભાત ભરતાં;
લઈ વસ્ત્રો જૂનાં, સહુ સ્વજનની યાદ સરખા,
વણી લીધાં એવાં, સુખદુઃખ હતાં જેમ વણતાં,
(મંદાક્રાંતા)
જૂનો માંજો તમ કનકવાનો લઈ ગૂંચ ખોલી,
લચ્છીવાળી, મુદિત વદને સીવવા હાથ લીધી;
લાંબી સોયે કસબ કરતી આંગળી માવડીની,
ટેભે ટેભે વિવિધ નવલી ગોદડે ભાત પાડી,
દીપી ઊઠે નરમ હળવું ગોદડું હૂંફવાળું,
જેવા તેનાં સદગુણ સદા દીપતાં કૂળ માંહે;
સીવ્યો ત્યાં પાલવ જતનથી શોભવા ગોદડાંને,
જેવો શોભે વિનય ગુણ તેનો સદા જિંદગીમાં,
(વસંત તિલકા)
એ પાલવે ઈશ સમે પથરાઇ પ્રેમે,
પ્રાર્થ્યું હશે સુખ સદા તમ ઈષ્ટ કાજે !
(ઝૂલણા છંદ)
અંકમાં થાબડી, પાલવે ગોપવી,
ધાવણે પોષતી, નેહ સિંચે,
ને પછી પાલવે, લોહતી બાળનાં,
દૂધિયા હોઠને, માત પ્રીતે;
જે સદા સાચવી, રાખતી રૂપિયો,
પાલવે ગાંઠમાં, પુત્ર કાજે,
આપતી હોંશથી, જાળવી હાથમાં,
મૂલવ્યો જાય ના, લાખ સાટે;
આપતી આશરો, પાલવે છાવરી,
તારતી તાતનાં, રોષ સામે,
ને પછી એજ મા, કાનને આમળી,
બાળને દંડતી, ભૂલ માટે,
(હરિ ગીત)
એ પાલવે લૂછ્યા હતાં, આંસું તમારી આંખનાં,
પામ્યા હશો ઘાવો તમે, જ્યારે ગલીનાં ખેલમાં;
એ ધૂળિયા આંસું નિહાળી મા રડી ઊઠી હશે,
લૂછ્યા હશે આંસુંય એનાં, એ જ પેલાં પાલવે,
ઊંઘી શકો ના કો ઉપાયે વૈભવી આવાસમાં,
ઓઢી જજો એ ગોદડું માની અનેરી યાદમાં;
છાતી સરીસી ચાંપજો યાદો મઢી જે પાલવે,
નીંદર થશે ગાઢી ઘનેરી જેમ માની સોડમાં !
