STORYMIRROR

Manisha Mehta(ધરા)

Classics Inspirational

4  

Manisha Mehta(ધરા)

Classics Inspirational

સ્નેહના ટેભા

સ્નેહના ટેભા

1 min
470

તમારા  લક્ષરીયસ આવાસનાં “સ્ટોરેજ”માં 

એક જૂનું ગોદડું ગડી વાળીને રાખી મુકજો


જે તમારી માતાએ તમારા પોતાનાના

જુના કપડાં કાપી ગોઠવીને

તમારી પતંગની દોરની રઝળતી લચ્છીના દોરા વડે

કામગરા હાથથી એનાં ટેભાં લીધા હશે


એની ખોળ સીવી હશે પોતાના જુના સુતરાઉ સાડલાંમાંથી

જેનો પાલવ ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે એ પાલવ

જે તમારા ઇષ્ટ માટે ઇષ્ટદેવ સામે પથરાયો હશે


એ પાલવ જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે

ને પછી એ જ પાલવ વડે દુધિયા હોઠ લૂછી આપ્યા હશે


એ પાલવ જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે

એ પાલવ નીચે પિતાના રોષથી બચવા તમને શરણ મળ્યું હશે


એ પાલવે તમે પડી આખડીને આવ્યા હશો

ત્યારે તમારા ધૂળ મિશ્રિતઆંસુ લૂછયાં હશે

ને પછી છાનામાના પોતાની આંખમાં

આવેલ પાણી પણ લૂછી લીધું હશે


ઈમ્પોર્ટડ બ્લૅકેટમાં જ્યારે અનિંદ્રા સતાવે

ત્યારે પેલા પાલવવાળા ભાગને તમે

છાતી નજીક રાખી એ ગોદડું ઓઢી જજો

તમને ઊંઘ આવી જશે, બાળક જેવી


Rate this content
Log in

Similar gujarati poem from Classics