મિલનની આતુરતા
મિલનની આતુરતા
વાલમ આવ્યો આજ મારે દ્વારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે,
આવ્યો છે તે મારા પ્રેમના ઈશારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે...
નજર મેળવવા આતુર હતી હું,
ઘાયલ બનવા ઈચ્છતી હતી હું,
નજરના જામ છલકાવવા છે મારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે...
દિલના આસને તેને હું બેસાડું,
પ્રેમના ઝૂલામાં તેને હું ઝૂલાવું,
આવકારૂં તેને ગાઈ મધુર તરાને,
શેરીઓમાં શોર મચી ગયો ભારે...
દિલમાં વસાવું હું તસ્વીર તેની,
તરસ પૂરીશ કરૂં હું મારા પ્રેમની,
વાલમ સંગ મિલન કરવું છે મારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે...
સપનાં સજાવ્યા મે પ્રેમ-ઉમંગના,
દીપ પ્રગટાવ્યા મે પ્રેમની જ્યોતના,
પ્રેમ દિવાની તેની બનવું છે મારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે...
જીવનભર તેનો હું સાથ નિભાવીશ,
પ્રેમની વસંતને હું દિલથી મહેંકાવીશ,
"મુરલી" ને દિલમાં વસાવવો છે મારે,
શેરીઓમાં શોર મચી ગયો ભારે.

