હૃદયનું સામર્થ્ય, ઈશ્વર
હૃદયનું સામર્થ્ય, ઈશ્વર


ડૂબતું હતું હૃદય મારું નિરાશાનાં દરિયામાં,
તારું નામ શું કોતર્યું, સપાટી પર તરવા લાગ્યું..
ચૂકતું હતું દરેક નિશાનો, ભૂલતું દિલ લક્ષ્ય હંમેશા,
બોલ્યું શું તારું નામ, પડછાયાથી મત્સ્ય છેદવા લાગ્યું..
ન હતું શક્ય ઉઠવું હૈયાંને, આ સમાજનાં બંધનો સાથે,
સાંભળ્યું શું તારું નામ, અપેક્ષાનાં ગોવર્ધન ઉંચકવા લાગ્યું..
હતું કષ્ટદાયી રક્તાશયને, વિકારોની સામે ઝઝૂમવું,
સ્પર્શ્યું શું તારું નામ, દસ માથાળાં કર્મને હણવાં લાગ્યું..
કઠિન હતું ઉરમાં ઉમંગો, આશાઓ, અનુભવો સમાવવા,
જાણ્યું શું તારો મર્મ, મુખમાં સમગ્ર બ્રહ્માંડ છૂપાવવાં લાગ્યું.