પ્રણય ગીત
પ્રણય ગીત


ખુલ્લા કેશે અગાશીમાં આવો નહિ;
આવારા પંખીને વાદળમાં ફસાવો નહિ.
ટપ ટપ પડતા જલબિંદુ પણ,
લાગે ખરતા તારલીયા,
ખુલી લટોમાં કિરણો સૂરજના,
ભળતા થઇ ગયા સાંવરિયા,
ગીત એમના ગાતા હવે વારો નહિ.....
......ખુલ્લા કેશે અગાશીમાં આવો નહિ.
ખળખળતું ઝરણું વહે જેમ,
એમ તમે તો ચાલતા,
ફરી ફરીને જુઓ છો જાણે,
મૃગ જંગલમાં મ્હાલતા,
અમને મૃગજળ બનીને હંફાવો નહિ...
......ખુલ્લા કેશે અગાશીમાં આવો નહિ.
ફોરમ છૂટતી અંગેઅંગની,
જાણે હવાને મ્હેકાવતી.
આંખનું કાજલ, હોઠની લાલી,
સંધ્યા ખીલેલી લાગતી..!
બસ કરો...મરેલાને વધુ મારો નહિ...
.......ખુલ્લા કેશે અગાશીમાં આવો નહિ.