ખિલાવટના રવાડે
ખિલાવટના રવાડે
હું મટુ હવે તો મારા જૂઠા પ્રતિબિંબ સઘળા તૂટે,
કહો તમે પછી હવે મારા ભવ્ય ખાલીપામાં શુ ઘટે !
ને સાદગી જ્યાં કોઈ વદનનો શણગાર બને તો,
ત્યાં એક આયનો અમથો અમથો જ રોજ તરફડે !
કૈંક ફૂલો એક બાગમાં ડાળખીથી રોજ છૂટા પડે,
ને સદૈવ આ અસ્તિત્વ ઝાકળના આંસુ બની રડે !
ફક્ત એકવાર ટોળાને તિલાંજલિ આપીને જુઓ,
તો માણસના વજૂદ જેવું જ ખુદ મહીં કોઈ જડે !
ને દિવસ ભરના પરિશ્રમ પછીની ઊંઘ પછી જ,
નિરખેલા સ્વપ્નો એક'દિ હકીકત બનીને ફળે !
શબ્દો બેઠાં શાંત થઈ જે ક્ષણે તો સમજો તે ક્ષણે જ,
મુજ વિચારોમાં એક પડઘાતું મૌન નજરે ચડે !
શક્યતાઓને પકડવા મન પણ પડ્યુ વામણું,
આ પ્રતિતિથી જ શાંતિની સંભાવનાઓની ભાળ મળે !
ભલે "પરમ" જીવન હોય રણવગડા જેવું વેરાન,
"પાગલ" જાત મારી તેથી જ ખિલાવટના રવાડે ચડે !