"હું" ની ભ્રામક જંજાળ
"હું" ની ભ્રામક જંજાળ
લાગણીઓનું પૂર આવે એ પહેલા એક પાળ બાંધવી સારી,
ને ગમે ત્યાં ભટકીને ભાગે નહીં એની ભાળ રાખવી સારી,
સમારંભે ઉપાધિઓ ને પદવીઓના પણ છેદ ઊડે ત્યારે,
અભણ જ્યાં ભણ્યા હોય એવી એક નિશાળ રાખવી સારી,
ભાઈબંધને ખોટા ખોટા ને મોટા થાબણભાણા કરવા કરતાં,
જીભ ઉપર પ્રેમ ભરેલી સુરતી મીઠી ગાળ રાખવી સારી,
દુઃખ સુખનાં તાણા વાણા વણાયા કરે તે સાક્ષી ભાવે નિરખવા,
કબીર રાખતા'તા એવી હાથવગી હાથશાળ રાખવી સારી,
અસહ્ય દર્દ દિલનું પણ થશે દૂર યાદોના ઔષધોથી,
બસ, બને નાસુર એ પહેલાં ખુદની નાળ પારખવી સારી,
બારણાંઓ ઊભા છે યુગોથી કોઈકની સતત પ્રતીક્ષામાં,
એ આવી જાય ત્યાં સુધી ઘરની ભીંતોની સંભાળ રાખવી સારી,
મુજ મહી તું જ "પરમ" ને તું જ "પાગલ" બની પ્રગટી રહ્યો,
તેથી તો નથી જૂઠા ને ભ્રામક હુંની જંજાળ પંપાળવી સારી.
