માવતર
માવતર
ઈશ્વરે શું કરી કરામત, પ્રથમ ઘડ્યા માવતર,
સંતાનના જીવનમાં કદી, ક્યાં નડ્યા માવતર ?
સુખની આશા છોડી દુઃખમાં પણ રહ્યા સદા અડગ,
હસતાં કસોટી એરણે, હરદમ ચડ્યા માવતર.
આશીયાનો બનાવ્યો અડીખમ, કોઇ પણ ત્રુટિ વિના,
આપવા લાગણીને હુંફ મનથી,કુંણા પડ્યા માવતર.
ભૂલ હો મોટી છતાં બની ઢાલ હર પળ રહી અડગ,
ચુપચાપ આપદાની આગમાં,પોતે બળ્યા માવતર.
ટેકણલાકડી વૃદ્ધાવસ્થાની, નીકળી સહેજ કાચી,
ધરબી દર્દને દિલના ખુણે, છાનું રડ્યા માવતર.
સર્જનહારના આશિષ’દિવ્ય’, ધબકાર સંગે ધાબળો,
ઝેર સામે દુધધારા, વહાવનારા મળ્યા માવતર.
