માતૃહૃદય
માતૃહૃદય
" બંધ કર જલદી દરવાજો, પેલી ભિખારણ આવે છે,
જલ્દી થઇ જાઓ દૂર, નક્કામી ભિખારણ આવે છે !"
બાબલો ય વળી માંદો તેમાં, આને ક્યાંથી ટાળવી,
રાત ઉજાગરો કર્યાં પછી તો, ડોક્ટરની ભાળ કાઢવી !
ઓત્તારી ! ભિખારણ ત્યાં તો, ઘરનાં દાદર ચઢતી,
રોકી ન રોકાઇ તેમ, હરણફાળ તે ભરતી !
બોલું હું કંઈ તે પહેલાં, ભિખારણ આવી લાગી,
દરવાજાની વચ્ચે તે તો, બેઠી પલાંઠી વાળી !
"જોઈતું કંઈ નથી બાપા ! મળવા હું છું આવી,
દીકરાને આશિષ દેવાને અહીંયા નીકળી આવી !"
બાબલો દોડી આવ્યો બહારને, માથાકૂટ થઇ ગઇ,
ઘણું રોકવા મથી હું પણ, ખોળામાં તે લઇ ગઇ !
માથે હાથ ફેરવીને બાબલાને તે જોતી,
"આજ કરી દઉં સાજો તારા કનૈયાને" કહેતી.
અણગમાથી જોઈ રહી હું, તેથી દૂર ઉભી'તી,
માથે હાથ મૂકી બાબલાને, આશીર્વાદ તે દેતી.
"સાજો રહેશે માવડી તારો દીકરો છે સોનાનો,
આટલું આજ કહેવાને મેં ઉંબર આ ઑવાર્યો !"
કોણ ભિખારણ હતું અહીં, સવાલ થયો ત્યાં મને,
એક ભિખારણ જોતી રહી બીજીનાં માતૃહૃદયને !