મારે પણ સવારને માણવી છે
મારે પણ સવારને માણવી છે
જોને કેવી સોનેરી સુંદર સવાર ઊગી છે !
મારા હૈયે પણ એ જોવાની ઈચ્છા જાગી છે.
આ પંખીઓ કરે કલશોર, એ સાંભળવાની ઉત્કંઠા જાગી છે.
કેવી રીતે સવારને માણું ?
જોને સાથે આ જવાબદારીઓ પણ જાગી છે !
આ વોશીંગ મશીનનો અવાજ,
આ કચરાવાળાનો અવાજ,
આ દુધવાળાનો અવાજ,
આ બાળકોની ફરમાઈશનો અવાજ,
આ દાદાના નાસ્તાનો અવાજ,
આ અવાજમાં પંખીનો કલરવ તો ક્યાંય ખોવાઈ જાય છે !
આ કેવા ઊગેલા સુંદર ફૂલો છે !
આ પતંગિયા પણ કેવા દોડાદોડ કરે છે,
આ હવા કેવી મહેકે છે !
આ પંખીઓ કેવા ચહેકે છે !
પણ મને ક્યાં ફુરસદ છે !
આ રસોડું, આ હોલ, આ ચોકડી,
બધા મારા આગમનની રાહ જોઈ રહ્યા છે.
એને પણ મારો સંગાથ જોઈએ છે,
આ પંખીઓ કેવા આભે ચઢ્યા છે !
આ સૂરજ કેવો કોઈ પ્રખર, તેજસ્વી સાધુની જેમ ચમકી રહ્યો છે !
આ ભમરાઓ ફૂલોનાં કાનમાં કઈ ગપશપ કરી રહ્યા છે !
હું પણ આતુર છે એની વાતો સાંભળવા,
પણ કેમ સાંભળું ?
આ જીમ્મેદારીનાં ઢગલામાં ખોવાઈ ગઈ છું.
વોશીંગ મશીનનો અવાજ,
આ વાહનોનો શોરબકોર,
આ દૂધવાળાનાં અવાજોની આદત થઈ ગઈ મને,
આ પંખીઓનો કલરવ તો કેટલાય દિવસથી સાંભળ્યો જ નથી.
