મારી જાતને હું છેતરતી રહી છું
મારી જાતને હું છેતરતી રહી છું


લખી લઉં આજે બે શબ્દો મારા માટે,
હું એટલે મુસ્કુરાતો ચહેરો મારો,
હૈયે ભલે વેદના હોય તોય,
હસતો રહેતો મારો ચહેરો
આજે મારા માટે હું કલમ ઉઠાવું,
મારું મનડું નાચી ઊઠે એવું હું મારા માટે લખું,
દીકરી તરીકે, પત્ની તરીકે, મા તરીકે રહીને,
હું મારું અસ્તિત્વ ભૂલી ગઈ હતી,
મારા શોખ મારી ઈચ્છાને મે દફનાવી હતી,
આજે ખોલ્યા મેં હૈયાના દ્વાર,
કંઈ કેટલુંય મળ્યું, થોડું રાખવા જેવું,
થોડું દરિયામાં નાખવા જેવું મળ્યું,
આજે હું જીવી લઉં ફક્ત મારા માટે,
મારી ઈચ્છાઓ પૂર્ણ કરી લઉં મારા માટે,
મારા સપનાંને નવી પાંખ આપું મારા માટે,
આજે ફરી એક આશા હૈયે ઊગી મારા માટે,
આજે હું હું બનીને જીવી લઉં,
આજે હું કોઈ માતા કે પ
ત્ની નહિ,
પણ એક અલગ વ્યક્તિ તરીકે જીવી લઉં,
તાજા ખીલેલા ફૂલ જેવો અંદાજ રાખું,
નવો મારો આજે અંદાઝ રાખું,
લોકો ભલે બોલે મને અભિમાની,
લોકો જે કહે તે લોકોની ચિંતા છોડું,
મારા અંદાઝથી જીવી લઉં હું,
બસ આજે ફક્ત હું, હું તરીકે જીવી લઉં,
સુંદર ચહેરા પાછળ મીણ જેવું હૈયું રાખું છું,
દુશ્મનને પણ દોસ્ત બનાવી શકું છુ,
માગો તો દૌલત નહિ પણ અઢળક પ્રેમ આપું છું,
એક એક પગલું બીજા માટે ભરતી,
આજે મારા માટે થોડું ચાલવું છે,
બીજાથી અલગ છું તોયે મારી જાતને હું ગમું છું,
બસ થોડું હું આજ મારા માટે પણ જીવી લઉં છું,
મારી જાતને હું છેતરતી આવી છું,
મારા છે સૌ એમ મનાવતી આવી છું,
બસ આજે ફક્ત મને મારા માટે જ થોડું જીવવું છે.