લાગણી
લાગણી
દિલથી દિલમાં પડઘાય છે લાગણી,
ઝંખના પ્રેમની તરસાય છે લાગણી,
ઊડવું મારે વિશાળ ફલક પર છતાં,
ઊગતી જ ધરામાં ધરબાય છે લાગણી,
દીકરી, કળી, ધૂપસળી, સુવાસિત સદા,
તોયે શ્વાસ મહીં ક્યાંક રૂંધાય છે લાગણી,
બેડી તો ખુલ્લી છે કહેવા ખાતર હવે,
છતાં રહી સહી જો અટવાય છે લાગણી,
સમાનતાના સન્માન દૈ સમજાવી લીધાં,
પણે જાતના લિબાસમાં વીંટાય છે લાગણી,
સાસરું સોનાની ખાણ, સુખી દીકરી ભલે,
જાણીનેય સોનાના ખૂંટે બંધાય છે લાગણી,
જાત કરતી સમર્પિત, ધરી દે આયખું આખું,
શેં થાય પારકા પોતાના ભૂલાય છે લાગણી,
શમણાંનાં મોતી સઘળાં વેરાઈ ગયાં,
છતાં અવિરત સમયનાં વ્હેણે વહાય છે લાગણી,
પિંજરૂ નહીં પણ આપે છે પ્રેમ પાંખો છતાં,
કેમ પ્રેમનાં જ પિંજરમાં પૂરાય છે લાગણી.
