ક્યાં હતી?
ક્યાં હતી?


કશું કરવાનું મન થયું પણ આ મન પાછું ચંચળ રહ્યું,
લખવા લીધી કલમ ને વિચારોનું વમળ થયું.
આ લખવા, પેલું લખવા, ઘણું લખવા, મન વ્યાકુળ થયું,
પણ શબ્દોમાં ઢાળવું બધું, ક્યા એટલું સરળ રહ્યું!!
આસું એક વહેતું વહેતું હાસ્યમાં ભળતું ગયું,
હાસ્ય પાછું કોઈ યાદમાં સરતું સરતું મળતું થયું,
યાદમાં જે દર્દ હતું એ જખમ તાજા કરતું ગયું,
હવે મનમાં ભરી રાખવું વધું ને વધું વિકળ થયું.
ધૂંધળું એક દ્રશ્ય નજર સમક્ષ તાજું થયું,
ઘર હતું, આંગણ હતું, વડ હતું, વાડો હતો,
ચૂલો હતો, એ તૂટેલો ઝૂલો પણ હતો;
પણ ચૂલા પાસે ન મા હતી, ન ઝૂલા પર મારી બા હતી,
હું પણ હવે ક્યાં હતી? ન અહીં હતી ન ત્યાં હતી!!