કોને કહું?
કોને કહું?


ચૂભતા કાંટાની પીડા છૂપાવી
આપ્યું પ્રેમનું લાલ ગુલાબ.
દિલના સામ્રાજ્ય પર રાજ
કરવા માટે આપ્યું નિમંત્રણ.
યાદોની વાતો તારા સિવાય કોને કહું?
કડવાશ ગળી જઈને આપી મધુર
પ્રેમની ચોકલેટ જેવી મીઠાશ.
કડક, કઠણ પરિસ્થિતિ ના રહે,
જીવન બને સુંવાળા ટેડી જેવું.
પ્રેમની વાતો તારા સિવાય કોને કહું?
એકમેકનો સંગાથ રહે આપણો,
પરસ્પર વિશ્વાસનું વચન આપ્યું.
જિંદગીના દુઃખ ના પહોંચી શકે,
એ હુંફાળું આલિંગન કવચ માણ્યું.
દિલની વાતો તારા સિવાય કોને કહું?
ચાહતની ચરમસીમાના પ્રતીકના
હસ્તાક્ષર સમું એ સ્નેહાળ ચુંબન.
આ અનુભૂતિ આમ જ અહર્નિશ રહેશે,
અહર્નિશ ઉજવીએ પ્રેમનો ઉત્સવ.
સ્નેહની વાતો તારા સિવાય કોને કહું?