ગમતીલું ગામ
ગમતીલું ગામ


હાલો રે, મારા ગમતીલા ગામમાં,
ગમતીલા ગામમાં ને હૈયાના ધામમાં,
હાલો રે..મારા ગમતીલા ગામમાં.
સવાર સલોણી ને, જીવ્યા રે માનવી(૨)
પ્રભાતે લીલીછમ લીલા રે માણવી..
સૂરજના ઉજાસ પથરાય રે ગગનમાં..
હાલો રે.. મારા ગમતીલા ગામમાં..
કુકડાની બોલી મીઠી મીઠી લાગે(૨)
શુભ ચોઘડિયા ને શુભ તિથિ લાગે..
ઉઠાડે એ તો મને ભર રે નીંદરમાં..
હાલો રે.. મારા ગમતીલા ગામમાં..
પનિહારીને માથે પાણીનાં બેડલા(૨)
રણકે ઝાંઝર ને ખનકે છે ચુડલા..
લચકતી ચાલે જાય રે પનઘટમાં..
હાલો રે.. મારા ગમતીલા ગામમાં.
ગોવા
ળો ધેનુને જાય ચરાવવા(૨)
નીકળી પડે છે પાદરે ફરાવવા...
કેવા સંવાદ એમના થાય રે હેતમાં.
હાલો રે.. મારા ગમતીલા ગામમાં.
લીલી તે વનરાઈ ડોલતી લાગે(૨)
વેલ વૃક્ષને કંઈક બોલતી લાગે..
પંખીઓ ગાય મીઠા ગીત રે તાનમાં.
હાલો રે..મારા ગમતીલા ગામમાં.
ચિત્ર જોઈને મારા બાલુડા પૂછે(૨)
કોકના આસું બીજું કોક લૂછે ?
આવું જીવન હવે ક્યાં છે જગમાં..
હાલો રે..મારા ગમતીલા ગામમાં.
દુનિયા આખી હવે આંગળીના ટેરવે (૨)
માણસ દોડે સતત માંગણીના ટેરવે..
આવું જીવન હવે ફક્ત છે શમણામાં..
હાલો રે..મારા ગમતીલા ગામમાં.